રાજકોટ: રાજકોટ મહાનગરપાલિકાની સામાન્ય સભામાં આજે ટીપી (ટાઉન પ્લાનિંગ) વિભાગને લગતા મુદ્દે ગરમાગરમ ચર્ચા જોવા મળી હતી. ભાજપના કોર્પોરેટર કેતન ઠુમ્મરે ટીપીના પ્લોટોને લઈને અનેક તીખા અને અણિયારા સવાલો ઉઠાવતા અધિકારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.
સભા દરમિયાન પૂછાયેલા સવાલોના સંતોષકારક જવાબ આપવામાં ટીપી વિભાગના અધિકારીઓ અસમર્થ જણાયા હતા. અધિકારીઓના જવાબોમાં સ્પષ્ટતાનો અભાવ જોવા મળતાં સભામાં હાજર સભ્યોમાં પણ ચર્ચાનો માહોલ સર્જાયો હતો.
કોર્પોરેટર દ્વારા ઉઠાવવામાં આવેલા મુદ્દાઓ અંગે અધિકારીઓ પાસે પૂરતી માહિતી ન હતી કે પછી જાહેરમાં ખુલાસો કરવો શક્ય ન હતો તે અંગે વિવિધ અટકળો ચાલી રહી છે. સવાલોના જવાબ દરમિયાન અધિકારીઓ થોથવાતા જોવા મળ્યા હતા, જેના કારણે સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
સામાન્ય સભામાં બનેલી આ ઘટનાએ કોર્પોરેશનના ટીપી વિભાગની કામગીરી અને પારદર્શકતા અંગે પણ અનેક પ્રશ્નો ઉભા કર્યા છે. હવે આગામી દિવસોમાં આ મુદ્દે વધુ સ્પષ્ટતા થાય છે કે નહીં તેના પર સૌની નજર મંડાઈ છે.









