મુંબઈ: નૈઋત્ય ચોમાસાએ આખરે મુંબઈમાં સત્તાવાર પ્રવેશ કરી લીધો છે અને એન્ટ્રી સાથે જ પોતાના અસલ મિજાજનો પરિચય કરાવ્યો છે. શહેરમાં આખી રાત ધોધમાર વરસાદ વરસતા અનેક વિસ્તારોમાં જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ હતી. ભારે વરસાદને કારણે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયા હતા અને વાહનવ્યવહાર પણ પ્રભાવિત બન્યો હતો.
હવામાન વિભાગના આંકડા મુજબ કોલાબા વિસ્તારમાં અંદાજે 10 ઈંચ અને શાંતાક્રૂઝ વિસ્તારમાં લગભગ 9 ઈંચ વરસાદ નોંધાયો હતો. ચોમાસાની સત્તાવાર એન્ટ્રી બાદનો પ્રથમ જ વરસાદ અત્યંત ભારે રહ્યો હતો.
રાતભરના વરસાદના કારણે અંધેરી સબ-વે સંપૂર્ણપણે પાણીમાં ગરકાવ થઈ ગયો હતો, જેના પગલે તંત્રએ તેને તાત્કાલિક બંધ કરી દીધો હતો. શહેરના અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઊભી થઈ હતી, જેના કારણે લોકોને સવારથી જ મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો.
મુંબઈગરાઓએ ભારે વરસાદ વચ્ચે ટ્રાફિક જામ, ધીમી ગતિએ ચાલતા વાહનવ્યવહાર અને પાણી ભરાવાની સમસ્યાનો સામનો કર્યો હતો. જોકે લાંબી રાહ બાદ ચોમાસાના આગમનથી લોકોમાં ખુશીનો માહોલ પણ જોવા મળ્યો હતો.
હવામાન વિભાગે આગામી કલાકોમાં પણ વધુ વરસાદની આગાહી કરી છે. મુંબઈ ઉપરાંત થાણે, રાયગઢ, પાલઘર અને સિંધુદુર્ગ જિલ્લાઓ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. આ વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.
ઉલ્લેખનીય છે કે આ વર્ષે મુંબઈમાં ચોમાસું સામાન્ય સમય કરતાં લગભગ 13 દિવસ મોડું પહોંચ્યું છે. સામાન્ય રીતે 10 જૂનની આસપાસ ચોમાસું મુંબઈ પહોંચે છે, પરંતુ આ વખતે તેની ગતિ ધીમી રહી હતી. હવે ચોમાસું ઝડપથી આગળ વધીને મહારાષ્ટ્ર, તેલંગાણા, ઓડિશા, છત્તીસગઢ, ઝારખંડ અને બિહારના કેટલાક વિસ્તારો સુધી પહોંચી ગયું છે.
ભારે વરસાદને ધ્યાનમાં રાખીને તંત્રએ નાગરિકોને જરૂરી સાવચેતી રાખવા અને અનાવશ્યક મુસાફરી ટાળવાની સલાહ આપી છે.









