વડોદરા: શહેરના નાગરિકો માટે આધાર કાર્ડ સંબંધિત કામગીરી હવે વધુ સરળ અને ઝડપી બનવાની છે. વડોદરા મહાનગરપાલિકાને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવેલી નવી આધુનિક આધાર કીટના કારણે 20 જુલાઈથી શહેરના તમામ 19 વોર્ડમાં આધાર કાર્ડની કામગીરી શરૂ કરવામાં આવશે.
મળતી માહિતી મુજબ, રાજ્ય સરકારે આશરે એક મહિના અગાઉ કોર્પોરેશનને 20 નવી આધાર કીટ ફાળવી હતી. હાલ આ કીટનું ઇન્સ્ટોલેશન અને ટેક્નિકલ સેટઅપ પૂર્ણ કરવાની કામગીરી ચાલી રહી છે. નવી સિસ્ટમ કાર્યરત થયા બાદ આધાર કાર્ડમાં નામ સુધારો, સરનામું બદલાવ, મોબાઇલ નંબર અપડેટ અને નવા આધાર નોંધણી જેવા કામો વધુ ઝડપથી થઈ શકશે.
નવી કીટમાં આધુનિક ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉની સરખામણીએ તેમાં વધુ ચોકસાઈ ધરાવતા સાધનો સામેલ કરાયા છે. કીટમાં કુલ 15 જેટલા આધુનિક ટૂલ્સ આપવામાં આવ્યા છે, જેમાં ડેસ્કટોપ કમ્પ્યુટર, ડિસ્પ્લે મોનિટર, યુપીએસ, સિંગલ અને ડબલ આઇરિસ સ્કેનર તેમજ સિંગલ થમ્બ સ્કેનર જેવી સુવિધાઓનો સમાવેશ થાય છે.
હાલમાં શહેરના માત્ર 7 વોર્ડમાં આધાર કાર્ડની કામગીરી કરવામાં આવે છે. જોકે, નવી કીટ કાર્યરત થતાં 20 જુલાઈ બાદ તમામ 19 વોર્ડમાંથી આ સેવા ઉપલબ્ધ બનશે. નાગરિકોને નજીકના વોર્ડમાં જ આધાર સંબંધિત કામો કરવાની સુવિધા મળશે.
આધાર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે હાલના 12 ઓપરેટરો ઉપરાંત 8 નવા ઓપરેટરોની ભરતી પ્રક્રિયા પણ શરૂ કરવામાં આવી છે. આથી અરજદારોની સંખ્યા વધવા છતાં કામગીરીમાં વિલંબ ન થાય તે સુનિશ્ચિત કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
વચેટીયા પ્રથાને રોકવા માટે કોર્પોરેશન દ્વારા ટોકન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી હોવાનું જણાવાયું છે. નિયમ મુજબ સવારે 9:30 થી 10:30 વાગ્યા દરમિયાન જ ટોકન આપવામાં આવે છે અને દરરોજ આશરે 60 લોકોને ટોકન ફાળવવામાં આવે છે. જોકે, કેટલાક નાગરિકોનો આક્ષેપ છે કે કડક નિયમો અને મર્યાદિત ટોકનના કારણે સુવિધા મળવાને બદલે મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે.
દર ગુરુવારે રાવપુરા સ્થિત ગુમાસ્તા ધારાની કચેરીમાં પણ આધાર કાર્ડની કામગીરી ચાલુ રહે છે. ત્યાં GPS આધારિત સિસ્ટમ હોવાથી જરૂરિયાત મુજબ અન્ય વોર્ડના ઓપરેટરોની પણ મદદ લેવામાં આવે છે.
નવી ટેક્નોલોજી અને વધતી સુવિધાઓ સાથે વડોદરામાં આધાર કાર્ડ સંબંધિત સેવાઓ વધુ સુલભ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.









