અમરેલી: ધારી તાલુકાના છતડીયા ગામની પ્રાથમિક શાળામાં શિક્ષિકા અને સહ શિક્ષક વચ્ચે થયેલા વિવાદને લઈને ભારે હોબાળો મચ્યો હતો. સમગ્ર ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે.
મળતી માહિતી મુજબ, શાળાની એક મહિલા શિક્ષિકાએ સહ શિક્ષક જયંતિભાઈ મહેતા પર વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તન અને છેડતીના આક્ષેપો કર્યા હતા. આક્ષેપો બાદ શાળામાં વિદ્યાર્થીઓના વાલીઓ અને સ્થાનિક લોકો એકત્રિત થતાં વાતાવરણ તંગ બન્યું હતું.
ઘટના દરમિયાન શાળામાં જાહેરમાં બોલાચાલી અને ઉગ્ર આક્ષેપ-પ્રત્યાઆક્ષેપ થયા હતા. સ્થળ પર હાજર કેટલાક લોકોએ ઘટનાના વીડિયો પણ ઉતાર્યા હતા, જે બાદમાં સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા.
મહિલા શિક્ષિકાએ સમગ્ર મામલે પોલીસને લેખિત રજૂઆત કરી હોવાનું જાણવા મળ્યું છે. ફરિયાદમાં તેમણે સહ શિક્ષક વિરુદ્ધ યોગ્ય તપાસ અને કાર્યવાહી કરવાની માંગ કરી છે.
બીજી તરફ, સહ શિક્ષક જયંતિભાઈ મહેતાએ તમામ આક્ષેપોને ફગાવી દીધા છે. તેમણે દાવો કર્યો છે કે તેમના વિરુદ્ધ કરવામાં આવેલા આક્ષેપો પાયાવિહોણા છે અને તેમની કારકિર્દી તથા પ્રતિષ્ઠાને નુકસાન પહોંચાડવાના હેતુથી આ પ્રકારના આરોપો લગાવવામાં આવ્યા છે.
હાલ મામલો ચર્ચાસ્પદ બન્યો છે અને સંબંધિત તંત્ર દ્વારા રજૂઆતોના આધારે તપાસ હાથ ધરવામાં આવે તેવી શક્યતા છે. તપાસ પૂર્ણ થયા બાદ જ સમગ્ર ઘટનાની સાચી હકીકત સામે આવશે.









