રાજકોટ: શહેરમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે શારીરિક સંબંધ બાંધવાના અને બાદમાં લગ્ન કરવાનો ઇનકાર કરવાના મામલે પોલીસ ફરિયાદ નોંધાતા આજીડેમ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. પોલીસ દ્વારા દુષ્કર્મ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
મળતી માહિતી મુજબ, ભોગ બનનાર યુવતી અને આરોપી ભરત ચંદ્રપાલ એક જ કેટરિંગ વ્યવસાયમાં સાથે કામ કરતા હતા. સાથે કામ કરવા દરમિયાન બંને વચ્ચે પરિચય વધ્યો હતો અને ત્યારબાદ પ્રેમ સંબંધ બંધાયો હતો.
ફરિયાદ અનુસાર, આરોપી ભરત ચંદ્રપાલે યુવતીને લગ્નનું વચન આપીને તેની સાથે અનેક વખત શારીરિક સંબંધ બાંધ્યા હતા. લગ્નના ભરોસે સંબંધ આગળ વધતા યુવતી ગર્ભવતી બની હતી. બાદમાં યુવતીએ એક બાળકીને જન્મ આપ્યો હતો, જે હાલમાં ત્રણ મહિનાની હોવાનું જણાવાયું છે.
યુવતીનો આક્ષેપ છે કે બાળકના જન્મ બાદ તેણે આરોપી પર લગ્ન કરવા માટે દબાણ કર્યું હતું, પરંતુ આરોપીએ લગ્ન કરવાની ના પાડી દીધી હતી. ત્યારબાદ યુવતીએ સમગ્ર મામલે આજીડેમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
ફરિયાદના આધારે પોલીસે દુષ્કર્મ સહિતની સંબંધિત કલમો હેઠળ ગુનો નોંધી આરોપી ભરત ચંદ્રપાલની ધરપકડ કરી છે. હાલમાં પોલીસ આરોપીની પૂછપરછ કરી રહી છે અને સમગ્ર ઘટનાની કાયદેસરની તપાસ આગળ ધપાવી રહી છે.
પોલીસનું કહેવું છે કે તપાસ દરમિયાન સામે આવતી હકીકતોના આધારે આગળની કાર્યવાહી કરવામાં આવશે.









