વોશિંગ્ટન/સ્વિટ્ઝર્લૅન્ડ: પશ્ચિમ એશિયામાં વધી રહેલા તણાવ વચ્ચે અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. બેઠકમાં અમેરિકાનું પ્રતિનિધિત્વ ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સ, જેરેડ કુશનર અને સ્ટીવ વિટકોફે કર્યું હતું, જ્યારે ઈરાન તરફથી વિદેશ પ્રધાન અબ્બાસ અરાઘચી અને મુખ્ય વાટાઘાટકાર મોહમ્મદ બાઘેર ગાલિબાફ હાજર રહ્યા હતા.
બેઠક દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને લઈને કડક વલણ અપનાવતા સ્પષ્ટ ચેતવણી આપી હતી. ટ્રમ્પે જણાવ્યું હતું કે જો ઈરાન વિશ્વના સૌથી મહત્વપૂર્ણ જળમાર્ગોમાંથી એક એવા હોર્મુઝ સ્ટ્રેટને બંધ કરવાનો પ્રયાસ કરશે, તો અમેરિકા તેની સામે કડક કાર્યવાહી કરશે અને ઈરાનનો સંપૂર્ણ નાશ કરી દેશે.
ફોક્સ ન્યૂઝના અહેવાલ અનુસાર ટ્રમ્પે વધુમાં કહ્યું હતું કે આવી પરિસ્થિતિ સર્જાશે તો બેઠકમાં હાજર ઈરાની પ્રતિનિધિમંડળ પોતાના દેશમાં સુરક્ષિત રીતે પાછા પણ ફરી શકશે નહીં.
ટ્રમ્પના આ નિવેદન બાદ પશ્ચિમ એશિયામાં તણાવ વધુ વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટ વૈશ્વિક તેલ પરિવહન માટે અત્યંત મહત્વનો માર્ગ હોવાથી તેના બંધ થવાથી વિશ્વભરના ઊર્જા બજારો અને અર્થતંત્ર પર ગંભીર અસર પડી શકે છે.









