અમેરિકાની Department of Homeland Security દ્વારા F-1 સ્ટુડન્ટ વિઝા અને J-1 એક્સચેન્જ વિઝા માટે હાલની “Duration of Status (D/S)” વ્યવસ્થામાં ફેરફાર કરવાની પ્રક્રિયા આગળ વધી રહી છે. હાલમાં વિદ્યાર્થીઓ અભ્યાસ ચાલુ રાખે ત્યાં સુધી અમેરિકામાં રહી શકે છે, પરંતુ નવા પ્રસ્તાવ હેઠળ નિશ્ચિત સમયમર્યાદા લાગુ થઈ શકે છે.
પ્રસ્તાવ મુજબ વિદ્યાર્થીઓને તેમના કોર્સની મુદત અથવા વધુમાં વધુ ચાર વર્ષ સુધી રહેવાની મંજૂરી આપવામાં આવી શકે છે. જો અભ્યાસ પૂર્ણ કરવા માટે વધુ સમયની જરૂર પડે તો અલગથી સમયવધારા માટે અરજી કરવી પડશે.
અમેરિકાના Office of Management and Budget સમક્ષ આ નિયમની સમીક્ષા ચાલી રહી છે. અંતિમ નિયમ પ્રકાશિત થયા પછી સામાન્ય રીતે 30થી 60 દિવસમાં તેનો અમલ શરૂ થઈ શકે છે. જોકે હાલમાં જૂની D/S વ્યવસ્થા યથાવત્ છે અને વિદ્યાર્થીઓ માટે કોઈ તાત્કાલિક ફેરફાર લાગુ થયો નથી.
નિષ્ણાતોના મતે, જો આ નિયમ અમલમાં આવશે તો આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓને વિઝા એક્સટેન્શન, વધારાની અરજી પ્રક્રિયા અને દસ્તાવેજી કાર્યવાહીનો સામનો કરવો પડી શકે છે, જેના કારણે અભ્યાસની યોજના વધુ જટિલ બની શકે છે.
ભારત સહિત વિશ્વભરના લાખો વિદ્યાર્થીઓ પર આ નિર્ણયની અસર પડી શકે છે, તેથી અમેરિકામાં અભ્યાસનું આયોજન કરનારા વિદ્યાર્થીઓ અને તેમના પરિવારો આ પ્રક્રિયા પર નજીકથી નજર રાખી રહ્યા છે.









