રાજકોટના ધરમનગરમાં દૂષિત પાણીથી લોકો પરેશાન, મહિલાઓમાં ભારે રોષ

રાજકોટ શહેરના ધરમનગર વિસ્તારમાં છેલ્લા એક મહિનાથી દૂષિત પાણીની સમસ્યાને લઈને સ્થાનિક મહિલાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. પીવાના પાણીમાં ગંદકી અને બેક્ટેરિયા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે.

સ્થાનિક મહિલાઓના જણાવ્યા મુજબ, વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ગંદુ અને દુર્ગંધયુક્ત પાણી વિતરણ કરવામાં આવી રહ્યું છે. આ પાણીના કારણે બાળકો, મહિલાઓ તેમજ વૃદ્ધોમાં વિવિધ પ્રકારની બીમારીઓ ફેલાઈ રહી છે અને અનેક લોકો માંદા પડી રહ્યા છે.

મહિલાઓએ જણાવ્યું હતું કે આ ગંભીર સમસ્યાને લઈને મેયર સહિતના જવાબદાર અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવામાં આવી છે. તેમ છતાં હજુ સુધી સમસ્યાનું કોઈ નક્કર નિરાકરણ આવ્યું નથી, જેના કારણે લોકોની મુશ્કેલીઓમાં સતત વધારો થઈ રહ્યો છે.

રોષે ભરાયેલી મહિલાઓએ જણાવ્યું કે ચૂંટણી સમયે મત માગવા માટે નેતાઓ ઘરે-ઘરે આવ્યા હતા, પરંતુ હવે મૂળભૂત સુવિધા તરીકે શુદ્ધ પીવાનું પાણી પણ મળતું નથી. હાલ લોકોને મજબૂરીવશ પીવાનું પાણી ખરીદવું પડી રહ્યું છે.

સ્થાનિકોએ તાત્કાલિક દૂષિત પાણીની સમસ્યાનો ઉકેલ લાવવા, પાણીની લાઈનોની તપાસ કરવા અને શુદ્ધ પાણી ઉપલબ્ધ કરાવવા માંગ કરી છે. જો વહેલી તકે સમસ્યાનું નિરાકરણ નહીં આવે તો ઉગ્ર આંદોલનની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

Leave a Comment

Traffic Tail