ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા આજથી ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાઓનો પ્રારંભ થયો છે. આ પરીક્ષાઓ આગામી 20 જૂન સુધી ચાલશે, જેમાં રાજ્યભરના હજારો વિદ્યાર્થીઓ ભાગ લઈ રહ્યા છે.
અમદાવાદ શહેર અને ગ્રામ્ય વિસ્તાર સહિત કુલ 28 હજારથી વધુ વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે. બોર્ડની મુખ્ય પરીક્ષામાં નાપાસ થયેલા અથવા પોતાના પરિણામથી અસંતુષ્ટ વિદ્યાર્થીઓને ફરી તક આપવા માટે આ પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું છે.
અમદાવાદ શહેરમાં પૂરક પરીક્ષાઓ માટે 4 ઝોનમાં પરીક્ષા કેન્દ્રોની વ્યવસ્થા કરવામાં આવી છે. પરીક્ષાઓ શાંતિપૂર્ણ અને સુચારૂ રીતે યોજાય તે માટે 844 પરીક્ષા કેન્દ્રો પર જરૂરી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
બોર્ડ દ્વારા પરીક્ષા દરમિયાન ગેરરીતિ અટકાવવા માટે ખાસ દેખરેખ રાખવામાં આવી રહી છે. ઉપરાંત પરીક્ષા કેન્દ્રો પર પૂરતી સુરક્ષા અને જરૂરી સુવિધાઓ પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.
વિદ્યાર્થીઓ માટે આ પરીક્ષા શૈક્ષણિક વર્ષ બચાવવાની મહત્વપૂર્ણ તક માનવામાં આવે છે. ત્યારે વિદ્યાર્થીઓ આત્મવિશ્વાસ સાથે પરીક્ષા આપી સારા પરિણામની આશા રાખી રહ્યા છે.









