અમરેલીના મિતિયાળા પંથકમાં ફરી ભૂકંપનો આંચકો, લોકોમાં ભયનો માહોલ

અમરેલી જિલ્લાના મિતિયાળા પંથકમાં ફરી એક વખત ભૂકંપનો આંચકો અનુભવાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આજે સવારે 11:43 વાગ્યે ધરા ધ્રુજતા લોકો ઘરો અને દુકાનોમાંથી બહાર દોડી આવ્યા હતા.

મળતી માહિતી મુજબ, મિતિયાળા ગામ, મિતિયાળા અભ્યારણ્ય તેમજ કૃષ્ણગઢ, સાકરપરા અને ભાડના જંગલ વિસ્તારમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા. રિક્ટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા 2.1 નોંધાઈ હોવાનું જાણવા મળ્યું છે.

જોકે ભૂકંપની તીવ્રતા ઓછી હોવાથી કોઈ જાનહાનિ કે મિલકતને નુકસાનના અહેવાલ સામે આવ્યા નથી. તેમ છતાં અચાનક આવેલા આંચકાને કારણે લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

ઉલ્લેખનીય છે કે છેલ્લા 6 મહિનાથી મિતિયાળા પંથકમાં વારંવાર ભૂકંપના આંચકાઓ નોંધાઈ રહ્યા છે. જેના કારણે સ્થાનિકોમાં ચિંતા વધી રહી છે અને ભૂસ્તરવિજ્ઞાનીઓ પણ આ વિસ્તારની ગતિવિધિઓ પર નજર રાખી રહ્યા છે.

વારંવાર અનુભવાતા આંચકાઓને પગલે સ્થાનિકોએ સંબંધિત તંત્ર દ્વારા યોગ્ય અભ્યાસ અને મોનીટરીંગ કરવાની માંગ ઉઠાવી છે. હાલ તંત્ર દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail