સુરત પોલીસે એક જ દિવસમાં ઓનલાઇન ઠગાઇના 40 કેસ નોંધ્યા છે. સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં સૌથી વધુ 13 ફરિયાદ નોંધાઇ છે. 1 કરોડ 52 લાખના સૌથી મોટા ફ્રોડ કેસની ફરિયાદ નોંધાઇ છે. આંતરરાજ્ય કે આંતરરાષ્ટ્રીય ગેંગના નેટવર્કને તોડવા સ્પેશિયલ ટીમ કામે લાગી છે.
નોધનીય છે કે, તાજેતરમાં રાજ્યના નાગરિકોને સાયબર સુરક્ષિત રાખવા અને સાયબર ક્રિમિનલ્સની કમર તોડી નાંખવાના ઉદ્દેશ્ય સાથે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. જેમાં “ઓપરેશન મ્યુલ હંટ 2.0” અંતર્ગત રાજ્યભરના તમામ જિલ્લાઓમાં મ્યુલ એકાઉન્ટ સર્જીકલ સ્ટ્રાઈક કરવા કડક આદેશ આપવામાં આવ્યા હતા.
ગુજરાતના નાગરિકોને સાયબર ક્રાઇમ સામે સુરક્ષિત કરવા માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. નાગરિકોની મહેનતની કમાણીના રૂપિયા સાયબર ગુનેગારોના હાથમાં ન જાય અને સાયબર ક્રાઇમાં સંડોવાયેલા ગુનેગારોને આકરી સજા મળે તે હેતુથી રાજ્ય પોલીસ દ્વારા વિવિધ પ્રકારના ઓપરેશન હાથ ધરીને નિર્ણાયક કામગીરી કરવામાં આવી છે. આ વ્યાપક કામગીરીના ભાગરૂપે મુખ્યમંત્રીના દિશાનિદર્શન અનુસાર રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના નેતૃત્વમાં એક વિશેષ ઓપરેશન સમગ્ર રાજ્યમાં ચલાવવામાં આવ્યું હતું. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા ચલાવવામાં આવેલા આ ઓપરેશનમાં મ્યૂલ અકાઉન્ટ્સ સામે કાર્યવાહી કરીને અલગ અલગ કેસમાં કુલ ₹2289 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કરવામાં આવ્યો છે.









