મુંબઈ: દક્ષિણ મુંબઈના અતિ પોશ અને હાઈપ્રોફાઈલ ગણાતા કફ પરેડ વિસ્તારમાં આવેલી એક આલીશાન બંગલા પ્રકારની રહેણાંક ઈમારતમાં અચાનક ભીષણ આગ લાગતા સમગ્ર વિસ્તારમાં દોડધામ મચી ગઈ હતી. કેપ્ટન પ્રકાશ પેઠે માર્ગ પર આવેલી ઈમારતમાંથી ધુમાડાના વિશાળ ગોટેગોટા ઊઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.
આગની જાણ થતા જ મુંબઈ ફાયર બ્રિગેડની અનેક ટીમો ઘટનાસ્થળે દોડી આવી હતી અને યુદ્ધના ધોરણે રાહત તથા બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. ફાયર ફાઈટરોએ સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવા ભારે જહેમત ઉઠાવી હતી. ઘટનાસ્થળે પોલીસ અને અન્ય તંત્રના અધિકારીઓ પણ પહોંચી ગયા હતા.
પ્રાથમિક માહિતી મુજબ આગ ઈમારતના એક ભાગમાં ફાટી નીકળી હતી અને થોડા જ સમયમાં ધુમાડો સમગ્ર વિસ્તારમાં ફેલાઈ ગયો હતો. સુરક્ષાના ભાગરૂપે આસપાસના લોકોને સ્થળ પરથી દૂર ખસેડવામાં આવ્યા હતા.









