જમ્મુ-કાશ્મીરમાં વરસાદનો કહેર: ચાર દિવસમાં 31નાં મોત, અમરનાથ-વૈષ્ણોદેવી યાત્રા સતત પાંચમા દિવસે બંધ

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં અવિરત વરસી રહેલા ભારે વરસાદે ભારે વિનાશ સર્જ્યો છે. છેલ્લા ચાર દિવસમાં પૂર, ભૂસ્ખલન અને વરસાદી દુર્ઘટનાઓમાં 31 લોકોનાં મોત થયા છે, જ્યારે અનેક લોકો ઘાયલ થયા છે.

ચિનાબ અને તવી સહિતની નદીઓ ભયજનક સપાટીથી ઉપર વહી રહી છે. પૂરનો ખતરો વધતાં નદીકાંઠાના ગામોમાંથી લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરાઈ છે.

રામબન જિલ્લામાં ભૂસ્ખલન દરમિયાન મુસાફરોથી ભરેલા ટેમ્પો પર વિશાળ ખડક ધસી પડતાં દંપતીનું મોત થયું હતું અને પાંચ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. સુંદરબનીમાં સરહદી ચોકી પર તૈનાત એક જવાન અને બાંડીપોરામાં પૂરના પાણીમાં તણાઈ જવાથી એક બાળકનું પણ મોત થયું છે.

ખરાબ હવામાનને કારણે શ્રી અમરનાથ, માતા વૈષ્ણોદેવી અને શિવખોડી યાત્રા સતત પાંચમા દિવસે પણ સ્થગિત રાખવામાં આવી છે. ઉધમપુર-રામબન વચ્ચે અનેક સ્થળોએ ભૂસ્ખલન થતાં જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય રાજમાર્ગ સંપૂર્ણપણે બંધ છે.

માર્ગો બંધ થવા અને વીજ પુરવઠાને નુકસાન પહોંચતાં હજારો યાત્રાળુઓ તથા સ્થાનિક લોકો મુશ્કેલીમાં મુકાયા છે. હવામાન વિભાગે ગુરુવાર બપોર બાદ હવામાનમાં આંશિક સુધારો થવાની શક્યતા વ્યક્ત કરી છે, જોકે તંત્રે હજુ પણ સતર્ક રહેવા સૂચના આપી છે.

Leave a Comment

Traffic Tail