વડોદરાના કુંભારવાડામાં વહેલી સવારે ફાયરિંગથી ચકચાર, 3 લોકો અટકાયતમાં

વડોદરા શહેરના કુંભારવાડા વિસ્તારમાં વહેલી સવારે ફાયરિંગની ઘટના સામે આવતા વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. અચાનક ગોળીબારના અવાજો સંભળાતા સ્થાનિકોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

મળતી માહિતી મુજબ, કેટલાક અસામાજિક તત્ત્વો દ્વારા 3થી 4 રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ચર્ચા ચાલી રહી છે. ઘટનાના કારણે વિસ્તારના લોકોમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને મોટી સંખ્યામાં લોકો ઘટનાસ્થળે એકત્ર થયા હતા.

ફાયરિંગની જાણ થતાં પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. પોલીસે વિસ્તારને કોર્ડન કરી પુરાવા એકત્ર કરવાની કામગીરી હાથ ધરી હતી તેમજ CCTV ફૂટેજ અને અન્ય ટેકનિકલ પુરાવાઓના આધારે તપાસ શરૂ કરી હતી.

આ મામલે સંડોવાયેલા આરોપીઓ સુધી પહોંચવા માટે પોલીસે સઘન શોધખોળ હાથ ધરી છે. પ્રાથમિક તપાસના આધારે પોલીસે 3 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓને અટકાયતમાં લઈને પૂછપરછ શરૂ કરી હોવાનું જાણવા મળ્યું છે.

ફાયરિંગ પાછળનું કારણ શું છે અને ઘટનામાં કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પોલીસ દ્વારા વધુ તપાસ કરવામાં આવી રહી છે. ઘટનાને લઈને સમગ્ર વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત પણ વધારવામાં આવ્યો છે.

વહેલી સવારે બનેલી આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે, જ્યારે પોલીસ ટૂંક સમયમાં સમગ્ર ઘટનાનો ભેદ ઉકેલવાનો દાવો કરી રહી છે.

Leave a Comment

Traffic Tail