ઈકો કારમાંથી દારૂનો જથ્થો મળી આવ્યો, વાહન સહિત રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત; સપ્લાયરને ઝડપી પાડવા તપાસ
હળવદ: હળવદ તાલુકાના ઘનશ્યામપુર ગામ નજીક પોલીસ પેટ્રોલિંગ દરમિયાન 500 લીટર દેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પોલીસે દારૂ ભરેલી ઈકો કારને ઝડપી તેમાં સવાર ત્રણ શખ્સોની ધરપકડ કરી છે. સમગ્ર કાર્યવાહીમાં દારૂ અને વાહન સહિત કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
હળવદ તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી ત્યારે ઘનશ્યામપુર ગામ પાસે સરા રોડ પરથી GJ-13-AM-4027 નંબરની ઈકો કાર પસાર થતી જોવા મળી હતી. પોલીસને શંકા જતા કારને અટકાવી તેની તપાસ કરવામાં આવી હતી. તપાસ દરમિયાન કારમાંથી 500 લીટર દેશી દારૂ મળી આવ્યો હતો.
પોલીસે આશરે રૂ.1 લાખની કિંમતનો દેશી દારૂ અને રૂ.3 લાખની કિંમતની ઈકો કાર કબજે કરી હતી. આમ કુલ રૂ.4 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.
ત્રણ શખ્સોની ધરપકડ
પોલીસે આ કેસમાં ધાંગધ્રાના કબ્રસ્તાન પાસે રહેતા **ફિરોજ ફતેહખાન મકરાણી (29), આસિફ મનસુરભાઈ મીર (47) અને અફઝલ અલારખાભાઈ મકરાણી (31)**ની ધરપકડ કરી છે.
ત્રણેય આરોપીઓ સામે હળવદ તાલુકા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે.
ખાટડી ગામથી દારૂ લાવ્યાની માહિતી
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીઓએ જણાવ્યું હોવાનું સામે આવ્યું છે કે કારમાં ભરેલો દેશી દારૂનો જથ્થો ચોટીલા તાલુકાના ખાટડી ગામના શિવરાજભાઈ ગભરૂભાઈ કાઠી દરબારે ભરી આપ્યો હતો.
આરોપીઓના જણાવ્યા પ્રમાણે, ફિરોજની ઈકો કારમાં આસિફ અને અફઝલ દારૂનો જથ્થો લઈને હળવદ થઈ ધાંગધ્રા તરફ જઈ રહ્યા હતા. દરમિયાન ઘનશ્યામપુર ગામ નજીક પોલીસે કારને રોકી તપાસ કરતાં દારૂનો જથ્થો ઝડપાઈ ગયો હતો.
હળવદ પોલીસે હવે દારૂનો જથ્થો ભરી આપનાર શિવરાજભાઈને ઝડપી પાડવા માટે તપાસ હાથ ધરી છે. સાથે જ દારૂનો જથ્થો ક્યાંથી આવ્યો હતો અને તેને ક્યાં પહોંચાડવાનો હતો તે અંગે પણ વધુ તપાસ કરવામાં આવી રહી છે.









