મોરબીમાં છરીની અણીએ શ્રમિકોને લૂંટનારા 3 આરોપી ઝડપાયા : રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે, 2 દિવસના રિમાન્ડ

મોરબી: મોરબીના ઔદ્યોગિક વિસ્તારમાં ભરતનગર ગામ નજીક ત્રણ શ્રમિકોને સ્કૂટર પર આવેલા ત્રણ શખ્સોએ છરી બતાવી ધમકાવી મોબાઈલ અને રોકડ સહિત રૂ.11 હજારની લૂંટ કરી હતી. આ બનાવમાં મોરબી તાલુકા પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે. આરોપીઓ પાસેથી કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. કોર્ટમાં રજૂ કરતાં ત્રણેયના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર થયા છે.

મૂળ બનાસકાંઠાના અને હાલ મોરબીમાં રહેતા રાહુલ વેલાભાઈ વાલડીયાએ મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મુજબ તા.27ની રાત્રે રાહુલ તેના મિત્રો રાણાભાઈ લક્ષ્મણભાઈ વાલડીયા અને સુરજ રામદયાલ જાટમ સાથે ભરતનગર નજીક આવેલી કે.કે. હોટેલમાં જમ્યા બાદ કારખાના તરફ જઈ રહ્યા હતા.

તે દરમિયાન સ્કૂટર પર આવેલા ત્રણ અજાણ્યા શખ્સોએ રસ્તામાં તેમને અટકાવ્યા હતા. આરોપીઓએ છરી બતાવી ધમકી આપી તેમની પાસે જે કંઈ હોય તે આપી દેવા જણાવ્યું હતું. જેથી રાહુલે રૂ.10 હજારનો મોબાઈલ અને રૂ.1 હજાર રોકડા, મળી કુલ રૂ.11 હજારનો મુદ્દામાલ આપી દીધો હતો.

12 મોબાઈલ, રોકડ અને સ્કૂટર સહિત મુદ્દામાલ કબજે

લૂંટની ફરિયાદ બાદ મોરબી તાલુકા પોલીસે તપાસ શરૂ કરી હતી. તપાસ દરમિયાન વિકાસ અનિલભાઈ લોરીયા, ભુપતભાઈ મોહનભાઈ ચૌહાણ અને ચિરાગભાઈ નાનજીભાઈ ચાવડા, ત્રણેય રહે. ઇન્દિરાનગર, મોરબીની ધરપકડ કરવામાં આવી હતી.

પોલીસે આરોપીઓ પાસેથી જુદી-જુદી કંપનીના 12 મોબાઈલ ફોન કિંમત રૂ.54 હજાર, રૂ.1 હજાર રોકડા, એક છરી તેમજ ગુનામાં ઉપયોગમાં લેવાયેલ GJ-36-AQ-1165 નંબરનું સ્કૂટર કિંમત રૂ.20 હજાર કબજે કર્યું છે. આમ કુલ રૂ.75 હજારનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આરોપીઓ સામે અગાઉ પણ ગુના નોંધાયેલા

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે વિકાસ લોરીયા સામે મોરબી સિટી અને તાલુકા વિસ્તારમાં અગાઉ 5 ગુના નોંધાયેલા છે. જ્યારે ભુપતભાઈ ચૌહાણ સામે મોરબી સિટી, તાલુકા, સુરેન્દ્રનગર અને માળિયા વિસ્તારમાં કુલ 7 ગુના નોંધાયેલા હોવાનું પોલીસના રેકોર્ડમાં સામે આવ્યું છે.

ત્રણેય આરોપીઓને રિમાન્ડની માંગણી સાથે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા. કોર્ટે ત્રણેયના બે દિવસના રિમાન્ડ મંજૂર કરતાં પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આરોપીઓ અન્ય લૂંટના બનાવોમાં સંડોવાયેલા છે કે કેમ તેમજ તેમની સાથે અન્ય કોઈ વ્યક્તિ સંકળાયેલી છે કે કેમ તે અંગે પણ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail