‘નવા કેજરીવાલ’! કેન્દ્રીય મંત્રીઓના બંગલાના રિનોવેશન પાછળ એક વર્ષમાં રૂ.92 કરોડ

12 વર્ષમાં રૂ.547 કરોડથી વધુનો ખર્ચ : 2025-26માં જ રૂ.92.35 કરોડનો ખર્ચ, સરકારી આવાસોના રિનોવેશન પર સવાલ

નવી દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં આવેલા કેન્દ્રીય મંત્રીઓના સરકારી બંગલાઓના રિનોવેશન અને જાળવણી પાછળ એક જ વર્ષમાં રૂ.92.35 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો હોવાનું RTIથી મળેલી માહિતીમાં સામે આવ્યું છે. 2025-26માં થયેલો આ ખર્ચ છેલ્લા 12 વર્ષમાં સૌથી વધુ હોવાનું જાણવા મળે છે.

12 વર્ષમાં રૂ.547.68 કરોડ ખર્ચાયા

RTIના જવાબ મુજબ, 2014-15થી 2025-26 દરમિયાન કેન્દ્રીય મંત્રીઓના સરકારી બંગલાઓ પાછળ કુલ રૂ.547.68 કરોડ ખર્ચવામાં આવ્યા છે. જેમાં 2025-26નું રૂ.92.35 કરોડનું બિલ સૌથી મોટું છે.

2024-25માં આ બંગલાઓની મરામત અને જાળવણી પાછળ આશરે રૂ.71.98 કરોડ ખર્ચાયા હતા. એક વર્ષમાં ખર્ચમાં થયેલા આ વધારાએ સરકારી આવાસોની જાળવણી અંગે ચર્ચા જગાવી છે.

જૂના બંગલાઓના રિનોવેશનનો ખર્ચ

લુટિયન્સ દિલ્હીના અનેક સરકારી બંગલાઓ દાયકાઓ જૂના છે. તેથી તેમાં સમયાંતરે પ્લમ્બિંગ, ઇલેક્ટ્રિકલ કામ, પાણીની સમસ્યા, માળખાકીય મરામત તથા અન્ય જાળવણી કરવાની જરૂર પડે છે.

સરકારી તંત્ર તરફથી ખર્ચ વધવા પાછળ મોંઘવારી અને બાંધકામ સામગ્રીના વધેલા ભાવને કારણ ગણાવવામાં આવે છે. કેટલાક બંગલાઓમાં મંત્રીઓની જરૂરિયાત મુજબ વધારાના બાંધકામ અને ફેરફાર પણ કરવામાં આવ્યા હોવાનું જણાવાયું છે.

2019 બાદ સરેરાશ રૂ.26.78 કરોડનો ખર્ચ

મળેલી માહિતી પ્રમાણે 2019થી કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓ પાછળ સરેરાશ રૂ.26.78 કરોડ પ્રતિ વર્ષ ખર્ચવામાં આવ્યો છે. જોકે 2025-26માં આ રકમ વધીને રૂ.92.35 કરોડ સુધી પહોંચી ગઈ છે.

મંત્રીમંડળમાં સામાન્ય રીતે 70થી વધુ મંત્રીઓ હોય છે. જોકે દરેક બંગલા પાછળ સમાન રકમ ખર્ચાતી નથી અને જરૂરી કામ પ્રમાણે ખર્ચ અલગ હોય છે.

‘શીશમહેલ’ વિવાદ બાદ ફરી VIP આવાસ ચર્ચામાં

દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના સરકારી નિવાસસ્થાનના રિનોવેશનને લઈને થયેલા ‘શીશમહેલ’ વિવાદની યાદ હવે કેન્દ્રીય મંત્રીઓના બંગલાઓ પાછળના કરોડોના ખર્ચથી ફરી તાજી થઈ છે.

કેજરીવાલના આવાસના રિનોવેશનના મુદ્દે ભાજપે અગાઉ આમ આદમી પાર્ટી પર ભારે પ્રહારો કર્યા હતા. હવે મંત્રીઓના સરકારી બંગલાઓ પાછળ એક વર્ષમાં રૂ.92 કરોડથી વધુ ખર્ચ થવાના આંકડા સામે આવતા સરકારી નાણાંના ઉપયોગ અંગે રાજકીય સવાલો ઉઠી રહ્યા છે.

PM આવાસનો ખર્ચ અલગ

આ આંકડામાં વડાપ્રધાનના સત્તાવાર આવાસનો ખર્ચ સામેલ નથી. એટલે કે રૂ.547.68 કરોડનો આ આંકડો મુખ્યત્વે કેન્દ્રીય મંત્રીઓને ફાળવવામાં આવેલા સરકારી બંગલાઓની મરામત, જાળવણી અને રિનોવેશન સાથે સંબંધિત છે.

એક તરફ જૂના બંગલાઓની જાળવણીને સરકાર જરૂરી ગણાવી રહી છે, તો બીજી તરફ 2025-26માં રૂ.92.35 કરોડના રેકોર્ડ ખર્ચે VIP આવાસોની સુવિધા અને સરકારી નાણાંના ઉપયોગને લઈને નવી ચર્ચા શરૂ કરી છે.

Leave a Comment

Traffic Tail