![]()
વલસાડના વેજલપોર વિસ્તારમાં આવેલા હરીદર્શન એપાર્ટમેન્ટમાં 26 વર્ષીય યુવતી પ્રિયંકા યાદવે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. આ ઘટના ત્યારે બની જ્યારે તેની માતા દૂધ લેવા બહાર ગયા હતા. પ્રિયંકા યાદવ તેના પરિવાર સાથે ફ્લેટ નંબર 210માં રહેતી હતી. પરિવાર પ્લાસ્ટિકના હેન્ડ ગ્લોઝ બનાવી ગુજરાન ચલાવતો હતો, જેમાં પ્રિયંકા પણ મદદ કરતી હતી. આજે બપોરે લગભગ 4 વાગ્યે પ્રિયંકાની માતા ચા બનાવવા માટે દૂધ લેવા બહાર ગયા હતા, ત્યારે પ્રિયંકા ઘરે એકલી હતી. આ સમયગાળા દરમિયાન, કોઈક બાબતે મનદુઃખ થતાં પ્રિયંકાએ રસોડામાં દુપટ્ટા વડે ફાંસો ખાઈ જીવન ટૂંકાવી લીધું હતું. પ્રિયંકાની માતા દૂધ લઈને ઘરે પરત ફર્યા ત્યારે ફ્લેટનો મુખ્ય દરવાજો અંદરથી બંધ હતો. તેમણે પ્રિયંકાને બૂમ પાડી દરવાજો ખોલવા કહ્યું, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. થોડીવાર સુધી દરવાજો ન ખુલતા માતાએ બુમાબુમ કરી હતી, જેથી આસપાસના પાડોશીઓ દોડી આવ્યા હતા. પાડોશીઓની મદદથી દરવાજો તોડીને અંદર જોતા પ્રિયંકા રસોડામાં ફાંસો ખાધેલી હાલતમાં મળી આવી હતી. ઘટનાની જાણ થતા સ્થાનિક લોકો અને અગ્રણીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. વલસાડ રૂરલ પોલીસની ટીમને જાણ કરાતા તેઓ પણ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને મૃતદેહનો કબજો મેળવી વધુ તપાસ હાથ ધરી છે.








