એમેઝોન, ફ્લિપકાર્ટ, ઝેપ્ટો, સ્વિગી અને બિગબાસ્કેટ સામે કાર્યવાહી; ગેરમાર્ગે દોરતા દાવા અને ધતુરાના વેચાણનો મામલો
નવી દિલ્હીઃ ઓનલાઈન પ્લેટફોર્મ પર ખાદ્ય સુરક્ષા નિયમોના કથિત ઉલ્લંઘનને લઈને FSSAIએ એમેઝોન, ફ્લિપકાર્ટ ઈન્ડિયા, સ્વિગી ઈન્સ્ટામાર્ટ, ઝેપ્ટો અને બિગબાસ્કેટ સામે કાનૂની કાર્યવાહી શરૂ કરી છે. FSSAIની તપાસમાં કેટલાક ઉત્પાદનો અંગે ગ્રાહકોને ગેરમાર્ગે દોરતી માહિતી અને નિયમવિરુદ્ધ બ્રાન્ડિંગ જોવા મળ્યું હોવાનું જણાવાયું છે.
FSSAIના જણાવ્યા મુજબ ‘હેપિલો પ્રીમિયમ ડેટ બાઇટ્સ-ઝેસ્ટી ઓરેન્જ’ અંગે કરવામાં આવેલા કથિત ભ્રામક દાવાઓને લઈને પાંચેય પ્લેટફોર્મ સામે કાર્યવાહી કરાઈ છે.
આ ઉપરાંત ‘મિલ્કી મિસ્ટ’ની ફ્રેશ લો-ફેટ ક્રીમ, ફાર્મ ફ્રેશ કર્ડ અને ગ્રીક યોગર્ટના ઓનલાઈન ડિસ્પ્લે અને પેકેજિંગમાં જરૂરી લેબલિંગ માહિતીનો અભાવ જોવા મળતાં સ્વિગી ઈન્સ્ટામાર્ટ અને બિગબાસ્કેટ સામે અલગ કાર્યવાહી કરવામાં આવી છે.
ઓનલાઈન ધતુરાના વેચાણ સામે પણ કાર્યવાહી
તપાસ દરમિયાન એમેઝોન સેલર સર્વિસિસ, સ્વિગી ઈન્સ્ટામાર્ટ અને બિગબાસ્કેટ પર ધતુરાના ફળ અને બીજનું વેચાણ અથવા પ્રદર્શન જોવા મળ્યું હોવાનું FSSAIએ જણાવ્યું છે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ એક્ટ, 2006 હેઠળ આ અંગે નિયમનકારી કાર્યવાહી કરવામાં આવી છે.
ઓનલાઈન માધ્યમથી ખાદ્યપદાર્થોના વેચાણમાં નિયમોનું પાલન થાય તે માટે FSSAI દ્વારા ઈ-કોમર્સ પ્લેટફોર્મ્સની તપાસ અને કાર્યવાહી વધુ કડક બનાવવામાં આવી રહી છે.








