વોર્ડ નં. 8માં સ્થાનિકની લેખિત ફરિયાદ છતાં અરજી દબાવી દેવાઈ હોવાનો આક્ષેપ, ટીપી બ્રાન્ચની કામગીરી સામે સવાલો
રાજકોટઃ અમીન માર્ગ, વોર્ડ નં. 8માં કથિત ગેરકાયદે બાંધકામ અંગે સ્થાનિક અરજદાર દ્વારા લેખિત ફરિયાદ કરવામાં આવી હોવા છતાં વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચ દ્વારા ફરિયાદ પર યોગ્ય કાર્યવાહી કરવામાં આવી નથી અને અરજી દબાવી દેવામાં આવી હોવાના આક્ષેપો થયા છે.
ફરિયાદ અંગે જો અરજીને ફાઈલ કરી દેવામાં આવી હોય અને નિયમ મુજબ કાર્યવાહી ન થઈ હોય તો સમગ્ર મામલે જવાબદાર અધિકારીઓની ભૂમિકા અંગે તપાસ થવી જોઈએ તેવી માંગ ઉઠી છે. ફરિયાદમાં કરાયેલા આક્ષેપો સાચા છે કે નહીં તે અંગે સ્થળ તપાસ તથા સંબંધિત દસ્તાવેજોની ચકાસણી કરવાની પણ જરૂરિયાત દર્શાવવામાં આવી રહી છે.
દરમિયાન શાસક પક્ષ દ્વારા સ્વચ્છ અને પારદર્શક વહીવટના દાવા કરવામાં આવે છે ત્યારે આવા આક્ષેપો વચ્ચે વેસ્ટ ઝોન ટીપી બ્રાન્ચના સંબંધિત અધિકારીની કામગીરીની તપાસ કરાવી હકીકત જાહેર કરવી જોઈએ તેવી માંગ કરવામાં આવી છે.
માત્ર પ્રેસનોટ મારફતે સ્વચ્છ વહીવટના દાવા કરવાને બદલે ફરિયાદો અંગે નિયમસર કાર્યવાહી થાય અને જવાબદારી નક્કી કરવામાં આવે તો જ વહીવટમાં પારદર્શિતા અંગે વિશ્વાસ મજબૂત થઈ શકે તેવી ચર્ચા છે.









