PM મોદી ડિસેમ્બરમાં અમેરિકા જઈ શકે, G20 સમિટમાં ભાગ લેવાની શક્યતા

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ડિસેમ્બરમાં અમેરિકાના ફ્લોરિડામાં યોજાનારી G20 લીડર્સ સમિટમાં ભાગ લેવા અમેરિકા જઈ શકે છે. 2026ની G20 સમિટ 14 અને 15 ડિસેમ્બરે ફ્લોરિડાના ટ્રમ્પ નેશનલ ડોરલ મિયામી ખાતે યોજાવાની છે, જેની યજમાની અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ કરશે.

મોદીની સંભવિત અમેરિકા મુલાકાત દરમિયાન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે દ્વિપક્ષીય બેઠક યોજાય તેવી પણ શક્યતા છે. અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે પણ સંકેત આપ્યો છે કે G20 દરમિયાન મોદી ટ્રમ્પની પ્રાથમિકતા ધરાવતા નેતાઓમાં હશે. જોકે, બંને નેતાઓ વચ્ચેની દ્વિપક્ષીય બેઠક અંગે હજુ સત્તાવાર જાહેરાત થઈ નથી.

G20 સમિટની સાથે ક્વાડ નેતાઓની બેઠક યોજવાની તૈયારીઓ પણ ચાલી રહી હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આ ઉપરાંત મોદી કેનેડા સાથે દ્વિપક્ષીય બેઠક કરી શકે તેવી પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

જોકે, ભારતીય વિદેશ મંત્રાલયે હજુ વડાપ્રધાન મોદીની અમેરિકા યાત્રાની સત્તાવાર જાહેરાત કરી નથી. તેથી તેમની અંતિમ વિદેશ યાત્રા અને કાર્યક્રમ સત્તાવાર જાહેરાત બાદ જ સ્પષ્ટ થશે.

Leave a Comment