જામજોધપુર : તાલુકાના ધોરીયા નેસની સીમમાં જામજોધપુર પોલીસે દરોડો પાડી ભારતીય બનાવટના વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. પોલીસે દારૂની 15,600 ચપટી બોટલ, ટાટા કંપનીનો ટ્રક અને ત્રણ મોટરસાયકલ સહિત કુલ રૂ.44,40,500નો મુદ્દામાલ કબજે કર્યો છે.
જામનગર જિલ્લા પોલીસ અધિક્ષક ડો. રવિ મોહન સૈનીની સૂચના અને લાલપુર વિભાગના મદદનીશ પોલીસ અધિક્ષક પ્રતીભા આઈપીએસના માર્ગદર્શન હેઠળ પીઆઈ એમ.એન. શેખની ટીમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન પોલીસને બાતમી મળી હતી કે ધોરીયા નેસમાં દારૂ ભરેલો ટ્રક લાવી તેનો જથ્થો ઉતારી અન્યત્ર વેચાણ માટે મોકલવાની તૈયારી ચાલી રહી છે.
બાતમીના આધારે પોલીસે સ્થળ પર દરોડો પાડતા પોલીસના વાહનોની લાઈટ જોઈ હાજર શખ્સો નાસી છૂટ્યા હતા. સ્થળ પરથી રૂ.23.40 લાખની કિંમતનો 15,600 બોટલ દારૂ, રૂ.20 લાખનો ટ્રક તથા ત્રણ મોટરસાયકલ સહિત અન્ય મુદ્દામાલ મળી કુલ રૂ.44.40 લાખનો જથ્થો કબજે કરવામાં આવ્યો હતો.
પોલીસે નાથાભાઈ લાલાભાઈ મોરી, રાજુભાઈ ઉર્ફે બાઠીયો મોરી તથા ટ્રકના ચાલક અને ત્રણ મોટરસાયકલ ચાલકો સહિત કુલ સાત આરોપીઓની શોધખોળ શરૂ કરી છે. આ અંગે પોલીસ કોન્સ્ટેબલ અશોકભાઈ ગાગીયાએ ફરિયાદ નોંધાવતા પીઆઈ એમ.એન. શેખે વધુ કાર્યવાહી હાથ ધરી છે.








