મોલમાં પાર્કિંગ માટે ચાર્જ લઈ શકાશે, સુપ્રીમ કોર્ટે હાઈકોર્ટનો નિર્ણય બદલ્યો

નવી દિલ્હી : મોલ અને અન્ય કોમર્શિયલ સ્થળોએ વાહન પાર્કિંગ માટે ચાર્જ વસૂલવા અંગે સુપ્રીમ કોર્ટે મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે મોલ માલિકો મુલાકાતીઓ પાસેથી પાર્કિંગ ફી વસૂલી શકે છે. જોકે, પાર્કિંગ ચાર્જના દર અને નિયમો સક્ષમ સત્તાવાળાઓ દ્વારા ઘડવામાં આવેલી નીતિ મુજબ રહેશે.

સુપ્રીમ કોર્ટે પાર્કિંગ ફી વસૂલવા પર પ્રતિબંધ મૂકતો હાઈકોર્ટનો અગાઉનો આદેશ રદ કરી દીધો છે. આ મામલો સુરતની રાહુલ રાજ મોલ કો-ઓપરેટિવ સર્વિસ સોસાયટીની અપીલ સાથે સંકળાયેલો હતો.

કોર્ટે અમદાવાદની પાર્કિંગ પોલિસી-2021નો ઉલ્લેખ કરતાં જણાવ્યું કે રાજ્ય સરકાર તથા સંબંધિત સત્તાવાળાઓ મોલ, જાહેર અને કોમર્શિયલ સ્થળોએ પાર્કિંગના દર તેમજ વ્યવસ્થાને લઈને નિયમો બનાવી શકે છે. આવી જગ્યાઓ પર પાર્કિંગની વ્યવસ્થા નીતિ અને કાયદેસરના નિયમો હેઠળ નિયંત્રિત કરવામાં આવશે.

સુરતની સોસાયટી તરફથી રજૂઆત કરવામાં આવી હતી કે મોલની પાર્કિંગ જગ્યાને સુરત મહાનગરપાલિકા દ્વારા ‘પે એન્ડ પાર્ક’ તરીકે આકારવામાં આવી છે અને તેના આધારે વાર્ષિક આશરે રૂ.4.5 લાખનો વેરો ચૂકવવો પડે છે. પાર્કિંગ મેનેજમેન્ટ, સ્ટાફ અને અન્ય વ્યવસ્થાઓ અંગે પણ નીતિ બનાવવાની જરૂરિયાત દર્શાવવામાં આવી હતી.

સુપ્રીમ કોર્ટે નોંધ્યું કે પાર્કિંગ વ્યવસ્થાને નિયંત્રિત કરવા માટે સક્ષમ સત્તાવાળાઓ દ્વારા નીતિ તૈયાર કરવામાં આવી છે. બદલાતી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને હાઈકોર્ટનો અગાઉનો હુકમ ચાલુ રાખવાની જરૂર નથી. આ સાથે સુપ્રીમ કોર્ટે અપીલનો નિકાલ કર્યો.

Leave a Comment

Traffic Tail