EET Retailના નેટવર્કમાં મોટો વધારો: પેટ્રોલ પંપની સંખ્યા 117થી વધીને 235 થશે
નવી દિલ્હી: એસ્સાર ગ્રુપે યુકેના ફ્યુઅલ રિટેલ માર્કેટમાં પોતાની હાજરી વધુ મજબૂત કરવા માટે મોટો સોદો કર્યો છે. એસ્સારની રિટેલ કંપની EET Retailએ યુકેની ફોરકોર્ટ ઓપરેટર SGN Retailના 100 ટકા હિસ્સાના અધિગ્રહણ માટે કરાર કર્યો છે. ઉદ્યોગ ક્ષેત્રના સૂત્રો અનુસાર આ સોદો અંદાજે 400 મિલિયન પાઉન્ડ એટલે કે રૂ.5,166 કરોડનો છે.
આ સોદો પૂર્ણ થયા બાદ EET Retailને 118 નવા પેટ્રોલ પંપ મળશે. હાલમાં કંપની યુકેમાં 117 સાઇટ્સનું સંચાલન કરી રહી છે. નવા સ્ટેશનો ઉમેરાયા બાદ તેનું કુલ નેટવર્ક 235 પેટ્રોલ પંપ સુધી પહોંચી જશે.
આ વિસ્તરણથી EET Retail યુકેના ફ્યુઅલ રિટેલ ક્ષેત્રમાં પોતાની સ્થિતિ મજબૂત કરી બીજી સૌથી મોટી ફોરકોર્ટ ઓપરેટર બનવાની દિશામાં આગળ વધશે. અધિગ્રહણ બાદ કંપનીનું વાર્ષિક ઇંધણ વેચાણ 650 મિલિયન લિટરથી વધુ થવાની અપેક્ષા છે.
2031 સુધીમાં 800 પંપનું લક્ષ્ય
એસ્સારે યુકેના બજાર માટે લાંબા ગાળાની વિસ્તરણ યોજના પણ તૈયાર કરી છે. કંપનીનો હેતુ 2031 સુધીમાં યુકેમાં પોતાના પેટ્રોલ પંપનું નેટવર્ક 800 સુધી પહોંચાડવાનો છે. આ નેટવર્કના આધારે યુકેના ફ્યુઅલ માર્કેટમાં આશરે 9 ટકા હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખવામાં આવ્યું છે.
SGN Retailની સ્થાપના ગ્રેહામ પીકોક અને સુઝાન ટોબેલે કરી હતી. EET Retail દ્વારા કંપનીનો સંપૂર્ણ હિસ્સો ખરીદવામાં આવશે. યુકે જેવા વિકસિત અને સ્પર્ધાત્મક બજારમાં આ અધિગ્રહણ ભારતીય કંપનીના વૈશ્વિક વિસ્તરણને વધુ વેગ આપનારું પગલું માનવામાં આવી રહ્યું છે.









