ટર્કિશ એરલાઈન્સનું વિમાન લેન્ડિંગ સમયે અચાનક નીચે ધસી ગયું! મુસાફરોમાં ચીસાચીસ

ભારે તોફાન વચ્ચે ત્રણ વખત લેન્ડિંગનો પ્રયાસ નિષ્ફળ: આખરે બીજા એરપોર્ટ પર વિમાન ઉતારાયું

ઇસ્તાંબુલથી ટ્યુનિશિયા જઈ રહેલી ટર્કિશ એરલાઈન્સની ફ્લાઈટ 10 સપ્ટેમ્બરે લેન્ડિંગ દરમિયાન ભારે ટર્બ્યુલન્સ અને ખરાબ હવામાનમાં ફસાઈ હતી. ટ્યુનિસ-કાર્થેજ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરતી વખતે વિમાન જોરદાર રીતે હલવા લાગતાં મુસાફરોમાં ભયનો માહોલ સર્જાયો હતો.

ફ્લાઈટમાં પોતાની માતા સાથે મુસાફરી કરી રહેલી મરીના મૈસ્કાયાએ આ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો હતો. વીડિયોમાં મુસાફરો સીટ પકડીને બેઠેલા જોવા મળે છે અને વિમાન હલતાં કેબિનમાં ચીસો સંભળાય છે. મુસાફરોના જણાવ્યા મુજબ, વિમાન થોડી સેકન્ડ માટે જાણે ફ્રી-ફોલની જેમ નીચે જતું હોય તેવો અનુભવ થયો હતો.

મરીના મૈસ્કાયાના જણાવ્યા અનુસાર, ઉડાન દરમિયાન બધું સામાન્ય હતું, પરંતુ લેન્ડિંગ સમયે તોફાન વચ્ચે મુશ્કેલી સર્જાઈ હતી. પાઈલોટે ટ્યુનિસ-કાર્થેજ એરપોર્ટ પર લેન્ડિંગ માટે ત્રણ વખત પ્રયાસ કર્યો હતો. દરેક પ્રયાસ દરમિયાન વિમાન ભારે ધ્રૂજતું હતું.

ત્રીજા પ્રયાસ દરમિયાન મુસાફરોની ચિંતા વધી ગઈ હતી અને વિમાન અચાનક નીચે પડી રહ્યું હોય તેવું લાગતાં કેબિનમાં ચીસાચીસ મચી ગઈ હતી.

પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ફ્લાઈટને અંતે ટ્યુનિસથી આશરે 60 માઈલ દક્ષિણે આવેલા એનફિધા-હમ્મામેટ ઈન્ટરનેશનલ એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવામાં આવી હતી. ત્યાં વિમાનનું સુરક્ષિત લેન્ડિંગ કરાવવામાં આવ્યું હતું.

Leave a Comment

Traffic Tail