પેન્સિલવેનિયાઃ અમેરિકાના પેન્સિલવેનિયામાં નશીલા પદાર્થોની હેરાફેરી અને લાખો ડોલરના કથિત હવાલા સાથે જોડાયેલા મોટા રેકેટનો પર્દાફાશ થયો છે. આ કેસમાં 10 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ એટર્ની જનરલની ઓફિસના જણાવ્યા મુજબ આરોપીઓ મોટા પાયે નાર્કોટિક્સ ટ્રાફિકિંગનું નેટવર્ક ચલાવતા હોવાના આક્ષેપ છે અને આ મામલે ડિસેમ્બર 2024થી તપાસ ચાલી રહી હતી.
ધરપકડ કરાયેલા લોકોમાં ધર્મેશ પટેલ, મિતુલ પટેલ, અંકિત પટેલ, કેતન પટેલ, રોશની પટેલ, પલક પટેલ, દિવ્યેશ પટેલ, નિરવ પટેલ, માધવ પટેલ અને એલ્બિના પટેલનો સમાવેશ થાય છે. કેટલાક આરોપીઓ ચરોતર વિસ્તારના હોવાનું પણ કહેવાઈ રહ્યું છે. તપાસ એજન્સીઓના જણાવ્યા મુજબ આ નેટવર્ક લાંબા સમયથી ગેરકાયદે પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હોવાની આશંકા છે.
બે કાઉન્ટીમાંથી આખું નેટવર્ક ઓપરેટ થતું હોવાનો આરોપ
તપાસમાં સામે આવ્યું છે કે ગેંગનું નેટવર્ક પેન્સિલવેનિયાની વેસ્ટમોરલેન્ડ અને અલીઘેની કાઉન્ટીમાંથી ઓપરેટ થતું હતું. આરોપીઓ સામે સંગઠિત રીતે નશીલા પદાર્થોની હેરાફેરી સહિત Corrupt Organizations, Delivery of a Controlled Substance અને Possession with Intent to Deliver જેવા ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે.
આરોપીઓના પેન્સિલવેનિયામાં આશરે ત્રણ વેરહાઉસ હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ વેરહાઉસમાંથી વિવિધ ગેરકાયદે પ્રોડક્ટ્સ સમગ્ર રાજ્યમાં સપ્લાય કરવામાં આવતી હોવાનો આરોપ છે.
વેપ શોપથી સ્કૂલના બાળકો સુધી પહોંચતો હતો માલ
પોલીસના જણાવ્યા મુજબ લોકલ વેપ શોપ્સ મારફતે આ પ્રોડક્ટ્સનું વેચાણ કરવામાં આવતું હતું અને તેમાંથી કેટલીક વસ્તુઓ સ્કૂલમાં ભણતા બાળકો સુધી પણ પહોંચતી હતી.
કોર્ટ રેકોર્ડ્સમાં આરોપીઓ પર નશીલા પદાર્થોના વેચાણ અને ડિસ્ટ્રિબ્યૂશન ઉપરાંત લાખો ડોલરના કથિત હવાલા અને રોકડ વ્યવહારો કરવાનો પણ આરોપ મૂકવામાં આવ્યો છે.
લેસ્ડ કેન્ડીથી 4 વર્ષની બાળકી હોસ્પિટલમાં
કેસની તપાસ દરમિયાન વેસ્ટમોરલેન્ડ કાઉન્ટીની એક મહિલાએ ગ્રાન્ડ જ્યુરી સમક્ષ ગવાહી આપી હતી. મહિલાના જણાવ્યા અનુસાર સ્થાનિક વેપ શોપમાંથી ખરીદેલી લેસ્ડ કેન્ડી ખાધા બાદ તેની ચાર વર્ષની દીકરીને હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી.
આ ઘટના બાદ ગેરકાયદે નશીલા પદાર્થો ધરાવતી પ્રોડક્ટ્સ સામાન્ય દુકાનો મારફતે લોકો અને બાળકો સુધી પહોંચતી હોવા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરવામાં આવી છે.
LLCની આડમાં લાખો ડોલરની લેવડદેવડ
કોર્ટ ડોક્યુમેન્ટ્સ અનુસાર આરોપીઓએ અલગ-અલગ **લિમિટેડ લાયબિલિટી કંપનીઓ (LLC)**ની આડમાં ઈલીગલ નાર્કોટિક્સ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક ચલાવ્યું હોવાનો આરોપ છે. આ નેટવર્કમાં લાખો ડોલરની લેવડદેવડ ઉપરાંત મોટી માત્રામાં રોકડનો વ્યવહાર થતો હતો.
વેરહાઉસનું કામકાજ કેટલાક ચોક્કસ લોકો સંભાળતા હતા, જ્યારે માલની ડિલિવરી માટે અનેક વાહનો અને લોકોનો ઉપયોગ કરવામાં આવતો હતો. સમગ્ર પેન્સિલવેનિયામાં માલ પહોંચાડવા માટે અલગ નેટવર્ક કામ કરતું હોવાનો તપાસમાં દાવો છે.
દરોડામાં 1.43 લાખ વસ્તુઓ જપ્ત
તપાસ એજન્સીઓએ રેકેટ સાથે જોડાયેલા વેરહાઉસમાં દરોડા પાડ્યા હતા. આ કાર્યવાહીમાં ઈલીગલ સબસ્ટન્સ ધરાવતી આશરે 1.43 લાખ વસ્તુઓ જપ્ત કરવામાં આવી છે. પ્લમ ખાતે આવેલા એક વેરહાઉસમાંથી જ 12 હજાર પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી.
આ કેસમાં 10 ગુજરાતીઓ ઉપરાંત વધુ ત્રણ લોકો સામે પણ કાર્યવાહી થઈ શકે છે, જ્યારે તપાસ એજન્સીઓ સમગ્ર નેટવર્કની કડીઓ અને નાણાકીય વ્યવહારોની વધુ તપાસ કરી રહી છે.









