‘સૂર્યકિરણ ટીમનો સ્ક્વોડ્રન લીડર છું’ કહી યુવતીને ફસાવી : એરફોર્સમાં નોકરીના નામે રૂ.1.95 લાખની ઠગાઈ

ઈન્સ્ટાગ્રામ પર ઓળખાણ બાદ નોકરી અપાવવાની લાલચ : ‘બેકગ્રાઉન્ડ ચેક ફેલ’ હોવાનું કહી વધુ રૂ.1.15 લાખ પડાવ્યા, રાજકોટનો ઠગ ઝડપાયો

રાજકોટ: એરફોર્સમાં નોકરી અપાવવાની લાલચ આપી એન્જિનિયર યુવતી પાસેથી રૂ.1.95 લાખ પડાવી લેવાના કેસમાં યુનિવર્સિટી પોલીસે રાજકોટના 33 વર્ષીય શખ્સને ઝડપી પાડ્યો છે. આરોપીએ ઈન્સ્ટાગ્રામ પર યુવતી સાથે સંપર્ક કેળવી પોતે ભારતીય એરફોર્સની ‘સૂર્યકિરણ ટીમ’માં ફ્લાઈંગ બ્રાન્ચના સ્ક્વોડ્રન લીડર તરીકે ફરજ બજાવતો હોવાનો દાવો કર્યો હતો.

ફરિયાદી 28 વર્ષીય દિશાબા પ્રવિણસિંહ પરમાર મૂળ રાજકોટની છે અને ગાંધીનગરની TCS કંપનીમાં છેલ્લા સાત વર્ષથી સિસ્ટમ એન્જિનિયર તરીકે નોકરી કરે છે. ગાંધીનગરમાં રહેતી યુવતી રજાના દિવસોમાં રાજકોટ આવતી હતી. આ દરમિયાન ઈન્સ્ટાગ્રામ પર ‘પ્રતીક 7539’ નામના એકાઉન્ટ સાથે તેનો સંપર્ક થયો હતો.

એરફોર્સ અધિકારી બની વિશ્વાસ જીત્યો

17 મેના રોજ પ્રતીક ભારદ્વાજ નામના શખ્સે યુવતીને મેસેજ કર્યો હતો. તેણે પોતે એરફોર્સમાં કર્ણાટક ખાતે ફરજ બજાવતો હોવાનું અને સૂર્યકિરણ ટીમમાં ફ્લાઈંગ બ્રાન્ચના સ્ક્વોડ્રન લીડર હોવાનો પરિચય આપ્યો હતો.

યુવતીને પણ એરફોર્સમાં નોકરી કરવાની ઈચ્છા હોવાથી તેણે આરોપી પાસેથી નોકરી અંગે માહિતી મેળવવાનું શરૂ કર્યું હતું. બંને વચ્ચે અવારનવાર ઈન્સ્ટાગ્રામ પર વાતચીત થતી હતી. આરોપીએ આ રીતે યુવતીનો વિશ્વાસ કેળવી લીધો હતો.

‘ઈન્ટરનલ પૈસા આપવાથી નોકરી મળી શકે’ કહી જાળમાં ફસાવી

આરોપીએ યુવતીને એરફોર્સમાં નોકરી અપાવવાની ખાતરી આપી હતી. તેણે ‘ઈન્ટરનલ લેવડદેવડ’થી નોકરી મેળવી શકાય છે તેમ કહી રૂપિયા માંગવાનું શરૂ કર્યું હતું.

સૌપ્રથમ તેણે નોકરી માટે રૂ.8 હજાર ભરવા કહ્યું હતું. યુવતીએ આરોપીને આધારકાર્ડ, માર્કશીટ અને ફોટા સહિતના દસ્તાવેજો મોકલ્યા હતા. ત્યારબાદ અલગ-અલગ કારણો બતાવી તબક્કાવાર રૂપિયા પડાવ્યા હતા.

‘બેકગ્રાઉન્ડ ચેક ફેલ’ કહી રૂ.1.15 લાખ પડાવ્યા

આરોપીએ બાદમાં યુવતીને જણાવ્યું કે તેનો બેકગ્રાઉન્ડ ચેક ફેલ થયો છે. હવે ઉપરી અધિકારીને વધુ રૂપિયા આપવા પડશે તેમ કહી તેણે રૂ.1.15 લાખની વધુ માંગણી કરી હતી. નોકરી મળવાની આશામાં યુવતીએ આ રકમ પણ ચૂકવી દીધી હતી.

આ રીતે યુવતીએ આરોપીને કુલ રૂ.1.95 લાખ ટ્રાન્સફર કર્યા હતા. છતાં નોકરીનો કોઈ લેટર મળ્યો નહોતો. આરોપીએ વધુ રૂપિયા માંગવાનું ચાલુ રાખતા યુવતીને સમગ્ર મામલે શંકા ગઈ હતી.

1930 પર ફરિયાદ બાદ પોલીસની કાર્યવાહી

ઠગાઈની શંકા જતા યુવતીએ CID ક્રાઈમ ગાંધીનગરની હેલ્પલાઈન 1930 પર સંપર્ક કરી ફ્રોડ અંગે અરજી કરી હતી. ત્યારબાદ ગુનો નોંધાયા બાદ યુનિવર્સિટી પોલીસ મથકના PI કે.કે. ગોહીલની રાહબરી હેઠળ પોલીસ ટીમે તપાસ હાથ ધરી હતી.

ASI સંજયભાઈ ઠાકર, હેડ કોન્સ્ટેબલ રાહુલ ઠાકુર, કોન્સ્ટેબલ સાવનભાઈ વસોયા અને TRB હેમાંગભાઈ સહિતની ટીમે ટેક્નિકલ સોર્સ તથા માનવ બાતમીના આધારે તપાસ આગળ ધપાવી હતી.

પોલીસે **પ્રતીક મહેશ ભારદ્વાજ (ઉં.વ.33, રહે. શાંતીનિકેતન પાર્ક-4, રૈયા રોડ, નાણાવટી ચોક, રાજકોટ)**ને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી બે મોબાઈલ ફોન સહિતનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.

અન્ય લોકોને પણ ફસાવ્યા છે કે કેમ તેની તપાસ

હાલ આરોપીને રિમાન્ડ પર લઈ પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. આરોપીએ આર્થિક ભીંસ દૂર કરવા માટે આ કારસ્તાન કર્યું હોવાની કબૂલાત આપી હોવાનું જાણવા મળ્યું છે.

હવે પોલીસ એ પણ તપાસી રહી છે કે આરોપીએ એરફોર્સમાં નોકરી અપાવવાના બહાને અન્ય કોઈ યુવક-યુવતીને પણ પોતાની જાળમાં ફસાવ્યા છે કે કેમ અને તેમની પાસેથી કેટલા રૂપિયા પડાવ્યા છે.

Leave a Comment

Traffic Tail