વિસ્ફોટના 13 મિનિટ પહેલાં હુમલાખોરે મંદિર પાસે કાર પાર્ક કરવાની કોશિશ કરી હતી; પોલીસની હાજરી જોઈ લાલ કિલ્લા તરફ વળ્યો
નવી દિલ્હીઃ લાલ કિલ્લા નજીક ગત વર્ષે થયેલા આત્મઘાતી કાર વિસ્ફોટ કેસમાં રાષ્ટ્રીય તપાસ એજન્સી (NIA)ની ચાર્જશીટમાં ચોંકાવનારો ખુલાસો થયો છે. તપાસ એજન્સી મુજબ હુમલાખોરનું પ્રથમ નિશાન ચાંદની ચોકમાં આવેલું ઐતિહાસિક લાલ મંદિર હતું. જોકે, ભારે ભીડ અને પોલીસની સઘન હાજરીને કારણે હુમલાખોર અહીં કાર પાર્ક કરી શક્યો નહોતો.
CCTVથી સામે આવ્યો ઘટનાક્રમ
NIAની તપાસ અનુસાર, 10 નવેમ્બરે સાંજે 6:37 વાગ્યે i20 કાર લાલ મંદિર નજીક પહોંચી હતી. આરોપપત્રમાં જણાવ્યા મુજબ હુમલાખોર ઉમર-ઉન-નબીએ મંદિર સામે કાર પાર્ક કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સ્થળ પર ભારે અવરજવર અને પોલીસની હાજરી હોવાથી તે કથિત રીતે પોતાના આયોજન મુજબ કાર પાર્ક કરી શક્યો નહોતો.
ત્યારબાદ તેણે યુ-ટર્ન લીધો અને લાલ કિલ્લાના ગેટ નંબર-4 તરફ કાર હંકારી હતી. આશરે 13 મિનિટ બાદ સાંજે 6:50 વાગ્યે કારમાં રાખવામાં આવેલા વિસ્ફોટકોમાં વિસ્ફોટ થયો હતો.
બ્લાસ્ટમાં 11નાં મોત, 29 ઘાયલ
NIAના આરોપપત્ર અનુસાર, આ વિસ્ફોટમાં 11 લોકોનાં મોત થયા હતા, જ્યારે 29 લોકો ઘાયલ થયા હતા. વિસ્ફોટના કારણે આસપાસની મિલકતોને પણ નુકસાન પહોંચ્યું હતું અને આશરે રૂ.17.7 લાખનું નુકસાન થયાનું ચાર્જશીટમાં જણાવાયું છે.
ઉમર-ઉન-નબી આતંકી મોડ્યુલનો ઈન્ચાર્જ હોવાનો દાવો
ચાર્જશીટમાં ઉમર-ઉન-નબીને અંસાર ગજવાત-ઉલ-હિન્દ (AGH)ના પુનઃસક્રિય કરાયેલા આતંકી મોડ્યુલનો ઈન્ચાર્જ ગણાવવામાં આવ્યો છે. CCTV ફૂટેજ અને તપાસ દરમિયાન સામે આવેલી અન્ય વિગતોના આધારે હુમલાની કથિત યોજના અને આરોપીની હિલચાલ અંગે તપાસ કરવામાં આવી છે.
લાલ મંદિરને પ્રથમ ટાર્ગેટ બનાવવામાં આવ્યું હોવાના આ ખુલાસાથી લાલ કિલ્લા પાસે થયેલા કાર વિસ્ફોટ કેસમાં તપાસને વધુ ગંભીર દિશા મળી છે.









