લીંબડી-ચોટીલા હાઇવે પર LCBનો સપાટો : રૂ.1.26 કરોડનો મુદ્દામાલ ઝડપાયો

કન્ટેનરમાંથી 31,452 વિદેશી દારૂની બોટલો મળી; રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ, દારૂ મોકલનાર સહિત ત્રણ શખસોની શોધખોળ

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર લોકલ ક્રાઇમ બ્રાન્ચે લીંબડી-ચોટીલા નેશનલ હાઇવે પર કાર્યવાહી કરી રૂ.1 કરોડથી વધુ કિંમતનો વિદેશી દારૂ ઝડપી પાડ્યો છે. રાસ્કા બોડીયા ગામના પુલ નજીક શંકાસ્પદ કન્ટેનર ટ્રકને રોકીને તપાસ કરતાં તેમાંથી 31,452 સીલબંધ વિદેશી દારૂની બોટલો મળી આવી હતી. પોલીસે દારૂ, કન્ટેનર અને અન્ય સામગ્રી મળી કુલ રૂ.1,26,13,980નો મુદ્દામાલ કબજે કર્યો છે.

બાતમીના આધારે કન્ટેનર રોકાયું

LCBને મળેલી ચોક્કસ બાતમીના આધારે પોલીસ ટીમે લીંબડી-ચોટીલા હાઇવે પર રાસ્કા બોડીયા ગામના પુલ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન શંકાસ્પદ કન્ટેનર ટ્રકને અટકાવી તેની તલાશી લેવામાં આવી હતી. તપાસ દરમિયાન કન્ટેનરમાં છુપાવેલો દારૂનો મોટો જથ્થો મળી આવતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

જપ્ત દારૂની કિંમત રૂ.1,00,93,980 હોવાનું જણાવાયું છે. આ ઉપરાંત રૂ.25 લાખની કન્ટેનર ટ્રક, રૂ.20 હજારના બે મોબાઇલ ફોન અને બે નંબર પ્લેટ મળી કુલ રૂ.1.26 કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરાયો છે.

રાજસ્થાનના ડ્રાઇવરની ધરપકડ

દારૂ ભરેલા કન્ટેનર સાથે પોલીસે જુજારામ રીડમલરામ ગોદારા જાટ, રહે. પુરાવા ગામ, તા. ધોરીમના, જિલ્લો બાલોતરા, રાજસ્થાનને ઝડપી પાડ્યો છે. તેની સામે લીંબડી પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન કાયદા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.

મોકલનાર અને મંગાવનારની શોધખોળ

પોલીસની પ્રાથમિક તપાસમાં કન્ટેનર ટ્રકના માલિક ઉપરાંત નાસિકના રમેશકુમારની સંડોવણી સામે આવી છે. રમેશકુમાર દારૂનો જથ્થો મોકલનાર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે દારૂ મંગાવનાર અજાણ્યો શખસ પણ હાલ પોલીસ પકડથી બહાર છે. પોલીસે ટ્રક માલિક, રમેશકુમાર અને દારૂ મંગાવનાર સહિતના વોન્ટેડ આરોપીઓને ઝડપી પાડવા તપાસ તેજ કરી છે.

LCBની ટીમે પાર પાડ્યું ઓપરેશન

હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી અને પોલીસ કોન્સ્ટેબલ કુલદીપ બોરીચાને મળેલી ચોક્કસ બાતમી બાદ સમગ્ર કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. LCB PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ અને પેરોલ ફર્લો સ્કોડ PSI એન.એ. રાયમાના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે કન્ટેનર ઝડપી પાડ્યું હતું.

કાર્યવાહીમાં હેડ કોન્સ્ટેબલ અમરકુમાર ગઢવી, જયપાલસિંહ રાઠોડ તથા પોલીસ કોન્સ્ટેબલ કૃણાલસિંહ ઝાલા, કુલદીપ બોરીચા, સરદારસિંહ બારડ, ભરત સભાડ, મેહુલ મકવાણા, ગીરીરાજસિંહ જાડેજા અને પ્રદ્યુમનસિંહ પરમાર સહિતના કર્મચારીઓ જોડાયા હતા.

Leave a Comment

Traffic Tail