મોરબીના મોટા દહીસરા ગામે એલસીબી અને સ્થાનિક પોલીસે સંયુક્ત કાર્યવાહી કરી નકલી વિદેશી દારૂ બનાવવાની મિની ફેક્ટરી ઝડપી પાડી હતી. દરોડા દરમિયાન પોલીસે 23 પેટી નકલી દારૂ, 600 લિટર જેટલું કેમિકલ, 1400 જેટલી ખાલી બોટલો, બોટલના બુચ, બારકોડ-ક્યૂઆર કોડના સ્ટીકર, કાર અને રૂ.6.50 લાખ રોકડા સહિત કુલ રૂ.20.75 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
પોલીસના જણાવ્યા મુજબ, ઇન્ડસ્ટ્રીયલ ઇથેનોલ, કલર, એસેન્સ અને પ્રિઝર્વેટિવ સહિતના રસાયણોનો ઉપયોગ કરીને નકલી વિદેશી દારૂ તૈયાર કરવામાં આવતો હતો. તૈયાર કરાયેલા દારૂનું બોટલિંગ અને પેકેજિંગ કરી બજારમાં વેચાણ કરવાની તૈયારી હતી, પરંતુ વેચાણ થાય તે પહેલાં જ પોલીસની કાર્યવાહીથી સમગ્ર નેટવર્કનો પર્દાફાશ થયો હતો.
આ કેસમાં મહેશ ઉર્ફે મુન્નો કાંજિયા, કર્મરાજસિંહ ઝાલા, રામદેવસિંહ ઝાલા, કાનો સિંધવ અને વિક્રમ ધંધુકિયાની ધરપકડ કરવામાં આવી છે. જ્યારે મુખ્ય આરોપી અજયસિંહ જાડેજા સહિત અન્ય સંડોવાયેલા લોકોની શોધખોળ ચાલી રહી છે.
મોરબી એસપીએ જણાવ્યું કે અજયસિંહ જાડેજા અને રામદેવસિંહ ઝાલા અગાઉ જેલમાં સાથે હતા અને ત્યાં બંનેના સંપર્ક બાદ નકલી દારૂ બનાવવાનો પ્લાન ઘડાયો હતો. આરોપીઓ આ દારૂનું વેચાણ કરે તે પહેલાં જ એલસીબીએ તેમને ઝડપી લીધા હતા.
પોલીસે પાંચેય આરોપીઓને કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરતાં કોર્ટે તમામ પાંચ આરોપીઓના 8 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.









