LPG સિલિન્ડર બુકિંગના નિયમમાં મોટો ફેરફાર, હવે ગામડામાં પણ 25 દિવસે મળશે બુકિંગની મંજૂરી

કેન્દ્ર સરકારનો મહત્વનો નિર્ણય; ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનો સમયગાળો ઘટાડીને 25 દિવસ કરાયો

નવી દિલ્હી: LPG સિલિન્ડર બુકિંગને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ ગ્રાહકો 25 દિવસના અંતરે નવો LPG સિલિન્ડર બુક કરાવી શકશે. અગાઉ ગામડાના ગ્રાહકો માટે સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો 45 દિવસનો હતો.

આ ફેરફાર બાદ હવે શહેર અને ગ્રામ્ય વિસ્તાર બંનેમાં LPG સિલિન્ડર બુકિંગ માટે એકસરખો 25 દિવસનો સમયગાળો રહેશે.

સપ્લાયમાં સુધારો થતાં નિયમમાં રાહત

પેટ્રોલિયમ, કુદરતી ગેસ અને પર્યટન રાજ્યમંત્રી સુરેશ ગોપીએ સોશિયલ મીડિયા દ્વારા આ નિર્ણયની જાણકારી આપી હતી. તેમણે જણાવ્યું કે મધ્ય-પૂર્વમાં તણાવને કારણે LPGના પુરવઠા પર દબાણ ઊભું થયું હતું. તે સમયે ગેસનો પુરવઠો જળવાઈ રહે તે માટે શહેરોમાં 25 દિવસ અને ગ્રામ્ય વિસ્તારોમાં 45 દિવસનો બુકિંગ સમયગાળો નક્કી કરવામાં આવ્યો હતો.

હવે LPGનો પુરવઠો સુધર્યો છે અને બેકલોગમાં પણ ઘટાડો થયો હોવાથી ગ્રામ્ય વિસ્તારો માટેનો 45 દિવસનો પ્રતિબંધ હટાવીને 25 દિવસ કરવામાં આવ્યો છે. પેટ્રોલિયમ મંત્રાલયે ઓઇલ માર્કેટિંગ કંપનીઓ (OMCs)ને આ ફેરફારનો તાત્કાલિક અમલ કરવા સૂચના આપી છે.

મધ્ય-પૂર્વના તણાવથી પુરવઠા પર પડ્યો હતો પ્રભાવ

અમેરિકા-ઈરાન વચ્ચેના તણાવ અને હોર્મુઝ સ્ટ્રેટની સ્થિતિને પગલે LPGના પુરવઠા અંગે ચિંતા ઊભી થઈ હતી. દેશમાં ગેસની અછત ન સર્જાય તે માટે સરકારે જરૂરી પગલાં લેતાં સિલિન્ડર બુકિંગ વચ્ચેનો સમયગાળો વધાર્યો હતો.

બાદમાં જૂનની શરૂઆતમાં કોમર્શિયલ LPG અંગેના કેટલાક પ્રતિબંધો હટાવીને કંપનીઓને પુરવઠો સામાન્ય કરવા માટે સૂચના આપવામાં આવી હતી.

ગામડાના પરિવારોને મળશે રાહત

બુકિંગનો સમયગાળો 45 દિવસથી ઘટીને 25 દિવસ થતાં ગ્રામ્ય વિસ્તારોના પરિવારોને રાહત મળવાની શક્યતા છે. ખાસ કરીને વધુ સભ્યો ધરાવતા પરિવારોમાં LPG સિલિન્ડર ઝડપથી ખતમ થતો હોવાથી અગાઉ લાંબા બુકિંગ અંતરને કારણે મુશ્કેલી પડતી હતી.

દરમિયાન સરકારે ગ્રાહકોને પેનિક બુકિંગ ન કરવાની અપીલ કરી છે. જરૂરિયાત હોય ત્યારે જ સિલિન્ડર બુક કરાવવા અને પુરવઠાની સ્થિતિ સામાન્ય રાખવામાં સહકાર આપવા જણાવાયું છે.

Leave a Comment

Traffic Tail