ભાજપમાં જેન-ઝી સાથે જોડાણ વધારવા મંથન

નિતીન નબીનની 45 યુવા નેતાઓ સાથે બેઠક : સોશિયલ મીડિયા પર વધુ સક્રિય થવા સૂચના

નવી દિલ્હી :
જંતર-મંતર ખાતેના આંદોલન બાદ ભાજપમાં જેન-ઝી યુવા વર્ગને લઈને ચિંતા વધી છે. નવી પેઢી સાથે પક્ષનો સંપર્ક વધારવા માટે ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ નિતીન નબીનએ પક્ષના મહામંત્રીઓ સહિત આશરે 45 યુવા નેતાઓ સાથે બેઠક યોજી હતી.

આ બેઠકમાં જેન-ઝી યુવાનોને ભાજપ સાથે કેવી રીતે જોડવા અને તેમની સાથે સીધો સંવાદ કેવી રીતે વધારવો તે અંગે ચર્ચા કરવામાં આવી હતી. દેશના વિવિધ રાજ્યોમાંથી બે-ત્રણ યુવા નેતાઓને ખાસ બેઠકમાં બોલાવવામાં આવ્યા હતા.

ગુજરાતમાંથી હર્ષ સંઘવી અને ડો. હેમાંગ જોષી હાજર

ગુજરાતમાંથી યુવા ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ તથા વડોદરાના સાંસદ ડો. હેમાંગ જોષી, નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અને કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા બેઠકમાં જોડાયા હતા.

આ ઉપરાંત યુવા વર્ગમાં લોકપ્રિય ગણાતા સાંસદ રવિ કિશન, સ્મૃતિ ઈરાની, યોગેન્દ્ર ચંદોલીયા, રાજુ બિષ્ટા, છત્તીસગઢના નાયબ મુખ્યમંત્રી વિજય શર્મા તથા કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવ સહિતના નેતાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

સોશિયલ મીડિયા રણનીતિ પર પણ ચર્ચા

લગભગ ત્રણ કલાક ચાલેલી બેઠકમાં ભાજપના આઈટી સેલને સોશિયલ મીડિયા પર વધુ સક્રિય બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. યુવાનોમાં સોશિયલ મીડિયાનો વધતો પ્રભાવ ધ્યાનમાં રાખીને ડિજિટલ માધ્યમથી તેમની સાથે સંવાદ વધારવા અંગે નેતાઓએ પોતાના સૂચનો આપ્યા હતા.

દરેક રાજ્યમાંથી યુવા વર્ગના મુદ્દાઓ અંગે ફીડબેક મેળવવામાં આવશે અને તેના આધારે જેન-ઝીના પ્રશ્નોનો જવાબ આપવામાં આવશે. આ દરમિયાન યુવાનોની લાગણી અને સન્માનને ઠેસ ન પહોંચે તે રીતે જવાબ આપવાની નીતિ અંગે પણ ભાર મૂકાયો હતો.

નવી પેઢી સાથે સીધો સંપર્ક વધારવાની કવાયત

જંતર-મંતર આંદોલન બાદ ભાજપ દ્વારા જેન-ઝી સહિત નવી પેઢી સાથે સંપર્ક વધારવાના પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. નિતીન નબીનની આ બેઠકને યુવા વર્ગને સમજવા અને પક્ષ સાથે તેમનું જોડાણ મજબૂત કરવાની દિશામાં મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે.

Leave a Comment

Traffic Tail