મોરબી નજીક ક્રેટા કારમાંથી 700 લિટર દેશી દારૂ ઝડપાયો

એક આરોપીની ધરપકડ : દારૂ, કાર અને મોબાઈલ સહિત રૂ.5.55 લાખનો મુદ્દામાલ કબજે

મોરબી :
મોરબી-વાંકાનેર નેશનલ હાઈવે પર લાલપર ગામ નજીક મોરબી તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન દારૂ ભરેલી ક્રેટા કાર ઝડપી પાડી છે. કારની તપાસ દરમિયાન 700 લિટર દેશી દારૂ મળી આવ્યો હતો. પોલીસે એક આરોપીની ધરપકડ કરી દારૂ, કાર અને બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ.5.55 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.

વાંકાનેરથી મોરબી તરફ આવતી કાર અટકાવી

લાલપર ગામ નજીક તાલુકા પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમિયાન વાંકાનેર તરફથી મોરબી તરફ આવી રહેલી સફેદ રંગની ક્રેટા કાર નં. GJ-10-CG-4630ને રોકી પોલીસે તપાસ હાથ ધરી હતી. કારમાંથી મોટી માત્રામાં દેશી દારૂ મળી આવતા પોલીસે કાર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

700 લિટર દારૂ સહિત લાખોનો મુદ્દામાલ

પોલીસે રૂ.1.40 લાખની કિંમતનો 700 લિટર દેશી દારૂ, રૂ.4 લાખની ક્રેટા કાર તથા રૂ.15 હજારની કિંમતના બે મોબાઈલ ફોન મળી કુલ રૂ.5.55 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

દારૂ મંગાવનારા ત્રણના નામ ખુલ્યા

આ કેસમાં પોલીસે સલીમ ઉર્ફે સલો બાબુભાઈ વિકિયાણી, રહે. સરાયા, તાલુકો ટંકારા,ની ધરપકડ કરી છે.

પોલીસની પ્રાથમિક પૂછપરછમાં દારૂનો જથ્થો મંગાવનાર તરીકે ઈરફાન, સદ્દામભાઈ જામ અને સલીમ ઉર્ફે રાહુલભાઈ પઠાણ, ત્રણેય રહે. મોરબી,ના નામ સામે આવ્યા છે. આથી પોલીસે કુલ ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો છે.

બાકીના ત્રણ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે શોધખોળ શરૂ કરી છે.

તાલુકા પોલીસની કાર્યવાહી

મોરબી તાલુકા પોલીસ સ્ટેશનના પીઆઈ એન.એસ. ઘેટીયાની સૂચના હેઠળ પોલીસ સ્ટાફે આ કાર્યવાહી હાથ ધરી હતી. ઝડપાયેલા આરોપીની પૂછપરછના આધારે દારૂના જથ્થાના સ્ત્રોત અને અન્ય સંડોવાયેલા લોકો અંગે વધુ તપાસ ચાલી રહી છે.

Leave a Comment

Traffic Tail