રૂ.37,700 કરોડનો મેગા IPO : Hyundaiનો રેકોર્ડ તોડવાની તૈયારી, 27 કરોડ નવા શેર જારી થશે
રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડિજિટલ અને ટેલિકોમ બિઝનેસની કંપની જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડને IPO માટે સેબીની મંજૂરી મળી ગઈ છે. કંપનીનો પ્રસ્તાવિત ઈશ્યૂ આશરે રૂ.37,700 કરોડનો છે. આ કદ સાથે IPO આવે તો તે ભારતીય શેરબજારના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો જાહેર ઈશ્યૂ બની શકે છે.
જિયો પ્લેટફોર્મ્સે જૂનમાં સેબી સમક્ષ IPOના ડ્રાફ્ટ પેપર્સ રજૂ કર્યા હતા. હવે 28 ઓગસ્ટે સેબી તરફથી અંતિમ ઓબ્ઝર્વેશન મળતાં કંપની માટે જાહેર ઈશ્યૂની પ્રક્રિયા આગળ વધારવાનો માર્ગ મોકળો થયો છે. પ્રસ્તાવિત IPOમાં કંપની 27 કરોડ સુધીના નવા ઇક્વિટી શેર જારી કરશે, જે ઈશ્યૂ બાદ કંપનીની કુલ ઇક્વિટીના આશરે 2.9 ટકા જેટલા હશે.
Hyundaiનો રેકોર્ડ તૂટશે
જિયોનો IPO અંદાજિત રૂ.37,700 કરોડના કદે આવે તો તે અત્યાર સુધીના સૌથી મોટા IPOનો રેકોર્ડ પોતાના નામે કરી શકે છે. હાલમાં Hyundai Motor Indiaનો રૂ.27,858 કરોડનો IPO સૌથી મોટા ઈશ્યૂમાં પ્રથમ ક્રમે છે. જિયોનો ઈશ્યૂ આ રકમ કરતાં નોંધપાત્ર રીતે મોટો હશે.
આ ઉપરાંત LICનો રૂ.20,557 કરોડ અને Paytmનો રૂ.18,300 કરોડનો IPO પણ જિયોના સંભવિત ઈશ્યૂ કરતાં નાના રહેશે.
રૂ.27,500 કરોડ દેવું ચૂકવવામાં વપરાશે
જિયો પ્લેટફોર્મ્સના ડ્રાફ્ટ દસ્તાવેજો મુજબ IPOમાંથી મળનારી રકમનો મોટો હિસ્સો તેની મહત્વની સબસિડિયરી રિલાયન્સ જિયો ઇન્ફોકોમના આશરે રૂ.27,500 કરોડના બાકી દેવાની ચુકવણી અથવા પ્રી-પેમેન્ટ માટે વાપરવામાં આવશે. બાકીની રકમ સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે ઉપયોગમાં લેવાશે.
આ IPO સંપૂર્ણપણે ફ્રેશ ઈશ્યૂ હશે. એટલે હાલના શેરધારકો પોતાના શેર વેચશે નહીં, પરંતુ કંપની નવા શેર જારી કરીને મૂડી ઊભી કરશે.
જિયોની કિંમત લગભગ રૂ.9.5 લાખ કરોડ સુધી
બજારના અંદાજ મુજબ આ IPOના કદ પ્રમાણે જિયો પ્લેટફોર્મ્સનું મૂલ્યાંકન આશરે રૂ.9.5 લાખ કરોડ સુધી પહોંચી શકે છે. જોકે IPOની અંતિમ કિંમત, પ્રાઇસ બેન્ડ અને લિસ્ટિંગની તારીખ હજુ જાહેર થવાની બાકી છે.
રિલાયન્સનો 66.4 ટકા હિસ્સો
હાલ જિયો પ્લેટફોર્મ્સમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનો આશરે 66.4 ટકા હિસ્સો છે. વૈશ્વિક ટેક કંપની Metaનો આશરે 9.9 ટકા અને Googleનો 7.7 ટકા હિસ્સો છે. 2020માં Meta અને Google સહિત અનેક વૈશ્વિક રોકાણકારોએ જિયો પ્લેટફોર્મ્સમાં મોટા પાયે રોકાણ કર્યું હતું.
Metaએ 9.99 ટકા હિસ્સા માટે આશરે રૂ.43,574 કરોડનું રોકાણ કર્યું હતું, જ્યારે Googleએ 7.73 ટકા હિસ્સા માટે આશરે રૂ.33,737 કરોડનું રોકાણ કર્યું હતું.
ટેલિકોમથી આગળ AI અને ક્લાઉડમાં વિસ્તરણ
જિયો હવે માત્ર મોબાઇલ અને ટેલિકોમ સેવા પૂરતું મર્યાદિત નથી. કંપનીએ AI, ક્લાઉડ, એન્ટરપ્રાઇઝ નેટવર્ક અને અન્ય ડિજિટલ સેવાઓમાં પણ પોતાનો વ્યાપ વધાર્યો છે. માર્ચ 2026ના અંતે જિયો ઇન્ફોકોમના ગ્રાહકોની સંખ્યા 53 કરોડથી વધુ હોવાનું રિપોર્ટમાં જણાવાયું છે.
NSEનો IPO પણ જિયાથી નાનો રહેશે
જિયોનો સંભવિત IPO ભારતીય પ્રાઇમરી માર્કેટમાં એવા સમયે આવી રહ્યો છે જ્યારે અન્ય મોટી કંપનીઓ પણ બજારમાં પ્રવેશવાની તૈયારી કરી રહી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)નો સંભવિત IPO આશરે રૂ.30,000 કરોડનો હોવાનું માનવામાં આવે છે, જે જિયોના પ્રસ્તાવિત ઈશ્યૂ કરતાં નાનો છે.
રોકાણકારોમાં ભારે ઉત્સુકતા
સેબીની મંજૂરી મળ્યા બાદ હવે રોકાણકારોની નજર જિયોના IPOની આગળની પ્રક્રિયા પર છે. પ્રાઇસ બેન્ડ, IPOની તારીખ અને અન્ય વિગતો જાહેર થયા બાદ રોકાણકારો માટે ઈશ્યૂ વધુ સ્પષ્ટ બનશે.
આમ, આશરે રૂ.37,700 કરોડના કદ સાથે જિયો પ્લેટફોર્મ્સનો IPO ભારતીય શેરબજારનો ઐતિહાસિક ઈશ્યૂ બની શકે છે. આ IPO સફળ થાય તો 2024માં Hyundai Motor India દ્વારા બનાવાયેલો સૌથી મોટા IPOનો રેકોર્ડ તૂટી જશે.









