રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવની T-Seriesમાં ધમાકેદાર એન્ટ્રી

જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા જેનિસ હવે શ્રીકૃષ્ણના પાત્રમાં જોવા મળશે

રાજકોટ: રાજકોટના યુવા કલાકાર જેનિસ બુધ્ધદેવે નાની ઉંમરે જ અભિનય ક્ષેત્રે પોતાની આગવી ઓળખ ઊભી કરી છે. હવે તેની કારકિર્દીમાં વધુ એક મોટી સિદ્ધિનો ઉમેરો થયો છે. રાજકોટમાં જુનિયર ટપુ અને જુનિયર લાલો તરીકે જાણીતા જેનિસની પ્રતિષ્ઠિત T-Series Regionalમાં ધમાકેદાર એન્ટ્રી થવા જઈ રહી છે.

આગામી 31 ઓગસ્ટ, 2026ના રોજ T-Series Regionalના સત્તાવાર પ્લેટફોર્મ પર ‘ઓ દ્વારિકાવાળા’ ગીત રિલીઝ કરવામાં આવશે. ભગવાન શ્રીકૃષ્ણને સમર્પિત આ ગીતનું દિગ્દર્શન રાજવિંદરસિંગ દ્વારા કરવામાં આવ્યું છે, જ્યારે જલ્પા દક્ષિણી નિર્માતા તરીકે જોડાયેલા છે. ગીતનું સમગ્ર શૂટિંગ ભગવાન શ્રીકૃષ્ણની પાવન નગરી દ્વારિકામાં કરવામાં આવ્યું છે. સૌથી ખાસ વાત એ છે કે આ ગીતમાં રાજકોટનો જેનિસ બુધ્ધદેવ ભગવાન શ્રીકૃષ્ણની મુખ્ય ભૂમિકામાં જોવા મળશે.

ગીતના પ્રમોશન માટે પણ ખાસ આયોજન કરવામાં આવ્યું છે. 29 ઓગસ્ટે પોસ્ટર, 30 ઓગસ્ટે ટીઝર અને 31 ઓગસ્ટે ગીતનું ઓફિશિયલ લોન્ચિંગ થશે. T-Series જેવા જાણીતા પ્લેટફોર્મ પર રાજકોટના કલાકારને મુખ્ય ભૂમિકા મળતાં શહેરના કલા જગતમાં ઉત્સાહની લાગણી જોવા મળી રહી છે.

બાળપણથી જ અભિનયનો શોખ

જેનિસ બુધ્ધદેવને બાળપણથી જ અભિનય ક્ષેત્રે રસ હતો. પોતાની પ્રતિભા અને સતત મહેનતથી તેણે હિન્દી મનોરંજન જગતમાં પણ સ્થાન બનાવ્યું છે. તેણે ‘અહિલ્યાબાઈ’, ‘મેરે સાઈ’, ‘વિઘ્નહર્તા ગણેશ’, ‘રાધાકૃષ્ણ’ અને ‘ડૉ. બી. આર. આંબેડકર’ સહિતની જાણીતી સિરિયલોમાં અભિનય કર્યો છે.

આ ઉપરાંત ‘ધમણ’ ફિલ્મમાં પણ જેનિસે મહત્વની ભૂમિકા ભજવી હતી. 2 ડિસેમ્બર, 2022ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મ બાદ તેની અભિનય કારકિર્દીને વધુ વેગ મળ્યો હતો.

મુંબઈમાં સંઘર્ષ બાદ મળ્યું મોટું પ્લેટફોર્મ

અભિનય ક્ષેત્રે આગળ વધવા માટે જેનિસે મુંબઈમાં લાંબો સંઘર્ષ કર્યો હતો. નાની ઉંમરથી જ અભિનયને કારકિર્દી બનાવવાનું સપનું જોયું હતું અને તેને સાકાર કરવા માટે સતત ઓડિશન તથા વિવિધ પ્રોજેક્ટમાં કામ કર્યું. અનેક પડકારો વચ્ચે પણ તેણે અભિનય પ્રત્યેનો જુસ્સો જાળવી રાખ્યો.

હવે T-Series Regionalના ‘ઓ દ્વારિકાવાળા’ ગીતમાં શ્રીકૃષ્ણનું પાત્ર ભજવવાની તક તેની કારકિર્દીમાં મહત્વપૂર્ણ સફળતા ગણાઈ રહી છે. ખાસ કરીને દ્વારિકાની પાવન ભૂમિ પર શૂટ થયેલા ગીતમાં ભગવાન શ્રીકૃષ્ણની ભૂમિકા ભજવવી તેના માટે યાદગાર અનુભવ બની છે.

રાજકોટના આ યુવા કલાકારની આ સિદ્ધિ પરિવાર, ચાહકો, રાજકોટના કલા જગત અને રઘુવંશી સમાજ માટે ગૌરવની ક્ષણ બની છે. જેનિસની સફર યુવા કલાકારો માટે પ્રેરણારૂપ છે કે સપનું મોટું હોય, મહેનત સતત હોય અને લક્ષ્ય પર ધ્યાન કેન્દ્રિત રાખવામાં આવે તો સફળતા ચોક્કસ મેળવી શકાય છે.

Leave a Comment

Traffic Tail