મહિલાઓને સાધવા અખિલેશનો મોટો દાવ

યુપી ચૂંટણી પહેલાં સપાનું મોટું વચન : મહિલાઓને વર્ષે રૂ.40 હજારની સહાય

ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી 2027 પહેલાં સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવે મહિલાઓને કેન્દ્રમાં રાખીને મોટું ચૂંટણી વચન આપ્યું છે. અખિલેશ યાદવે જાહેરાત કરી છે કે રાજ્યમાં સપાની સરકાર બનશે તો ‘સ્ત્રી સન્માન સમૃદ્ધિ યોજના’ અમલમાં મૂકવામાં આવશે અને મહિલાઓને દર વર્ષે રૂ.40 હજારની આર્થિક સહાય આપવામાં આવશે.

અખિલેશ યાદવે જણાવ્યું કે આ યોજનાને પાર્ટીના ચૂંટણી ઢંઢેરામાં સામેલ કરવામાં આવશે. તેમના જણાવ્યા મુજબ યોજનાનો હેતુ મહિલાઓને આર્થિક રીતે મજબૂત, આત્મનિર્ભર અને સશક્ત બનાવવાનો છે. તેમણે મહિલાઓની સુરક્ષાના મુદ્દે પણ સરકાર બન્યા બાદ કોઈ સમાધાન નહીં કરવાની ખાતરી આપી હતી.

સપા સાંસદ ડિમ્પલ યાદવે જણાવ્યું કે યોજના તબક્કાવાર અમલમાં મૂકવામાં આવશે અને તેના પરિણામોની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે. મહિલાઓને આર્થિક સહાય ઉપરાંત મોબાઇલ, લેપટોપ, શિક્ષણ અને તાલીમ જેવી સુવિધાઓ સાથે જોડીને તેમને સ્વાવલંબી બનાવવાનો પ્રયાસ કરવામાં આવશે.

યોજનાની શરૂઆત રૂ.40 હજારની વાર્ષિક સહાયથી કરવામાં આવશે અને ભવિષ્યમાં આ રકમમાં વધારો કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે. આ સાથે સપાએ મહિલાઓ માટે પેન્શન યોજનાના વિસ્તરણ અને ઇન્ટરમીડિયેટ પાસ કરનાર દીકરીઓને લેપટોપ આપવાનું પણ વચન આપ્યું છે.

આ જાહેરાતને 2027ની ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી પહેલાં મહિલા મતદારોને આકર્ષવા માટે સમાજવાદી પાર્ટીની મોટી રાજકીય રણનીતિ તરીકે જોવામાં આવી રહી છે.

Leave a Comment

Traffic Tail