અમેરિકન કન્ટ્રી મ્યુઝિકની દિગ્ગજ ગાયિકા ડોલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન : સન્માનમાં અમેરિકી ધ્વજ એક સપ્તાહ અડધો ઝુકાવાશે

અમેરિકન કન્ટ્રી મ્યુઝિકની દિગ્ગજ ગાયિકા, અભિનેત્રી અને પરોપકારી ડોલી પાર્ટનનું 80 વર્ષની વયે નિધન થયું છે. મંગળવારે 25 ઓગસ્ટે નેશવિલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા. પરિવાર અને તેમની ટીમે તેમના અવસાનની પુષ્ટિ કરી છે. અહેવાલો મુજબ તેઓ થોડા સમયથી કેન્સર સામે લડી રહ્યાં હતાં.

ડોલી પાર્ટનના નિધનથી સમગ્ર અમેરિકન સંગીત અને મનોરંજન જગતમાં શોકની લાગણી ફેલાઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે તેમને શ્રદ્ધાંજલિ આપતાં તેમના સન્માનમાં અમેરિકી રાષ્ટ્રીય ધ્વજને એક સપ્તાહ માટે અડધો ઝુકાવવાનો આદેશ આપ્યો છે. વ્હાઇટ હાઉસ, સરકારી ઇમારતો, સૈન્ય મથકો તથા વિદેશમાં અમેરિકી દૂતાવાસો પર પણ ધ્વજ 1 સપ્ટેમ્બર 2026ના સૂર્યાસ્ત સુધી અડધો ઝુકાવાશે.

ડોલી પાર્ટનની સંગીત કારકિર્દી છ દાયકાથી વધુ લાંબી રહી હતી. ગરીબીમાં બાળપણ વિતાવ્યા બાદ તેમણે પોતાની પ્રતિભાના બળે કન્ટ્રી મ્યુઝિકની સૌથી મોટી હસ્તીઓમાં સ્થાન મેળવ્યું હતું. ‘Jolene’, ‘9 to 5’, ‘I Will Always Love You’ અને ‘Coat of Many Colors’ જેવા ગીતોએ તેમને વિશ્વભરમાં પ્રસિદ્ધિ અપાવી હતી. તેમની કારકિર્દીમાં 11 ગ્રેમી એવોર્ડ સહિત અનેક પ્રતિષ્ઠિત સન્માનો મળ્યા હતા.

સંગીત ઉપરાંત ડોલી પાર્ટન અભિનય, વ્યવસાય અને સમાજસેવા માટે પણ જાણીતા હતા. તેમની Imagination Library પહેલ દ્વારા બાળકો સુધી મફત પુસ્તકો પહોંચાડવામાં આવ્યા છે. વિશ્વભરમાં 100 મિલિયનથી વધુ રેકોર્ડ વેચનારી ડોલી પાર્ટનનું નામ અમેરિકન કન્ટ્રી મ્યુઝિકના ઇતિહાસમાં અમર બની ગયું છે.

ડોલી પાર્ટનની વિદાય સાથે અમેરિકન સંગીત જગતની એક દિગ્ગજ હસ્તી ગુમાવી છે. તેમની સંગીતસર્જન, ફિલ્મો અને સમાજસેવાના કાર્યોને કારણે વિશ્વભરના ચાહકો અને કલાકારો તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે.

Leave a Comment

Traffic Tail