નેપાળના રસુવા જિલ્લામાં બુધવારે સવારે ભોટેકોશી નદીમાં અચાનક આવેલા ભારે પૂરે વિનાશ સર્જ્યો છે. તિબેટ તરફથી આવેલા પૂરનાં પાણીના કારણે નદીનું જળસ્તર અચાનક વધી ગયું હતું. જેના પગલે ટિમુરે, સ્યાફ્રુબેસી સહિતના વિસ્તારોમાં ઘરો, દુકાનો, વાહનો, રસ્તાઓ અને પુલોને ભારે નુકસાન થયું છે.
અચાનક પૂર આવતા નદી કિનારે આવેલા વિસ્તારોમાં અફરાતફરી મચી ગઈ હતી. અનેક વાહનો પાણી અને કાટમાળમાં તણાઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે. પૂરનાં પાણીના પ્રવાહને કારણે ચીન-નેપાળ સરહદ તરફ જતો મહત્વનો માર્ગ પણ અનેક સ્થળે ધોવાઈ ગયો છે, જ્યારે કેટલાક પુલોને પણ નુકસાન પહોંચ્યું છે.
સુરક્ષા કર્મચારીઓ સાથે સંપર્ક તૂટ્યો
પૂર બાદ રસુવા જિલ્લામાં તૈનાત પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળના અનેક કર્મચારીઓ સાથે સંપર્ક તૂટી ગયો છે. સરહદી વિસ્તારમાં ફરજ બજાવતા સુરક્ષા કર્મચારીઓ ઉપરાંત કસ્ટમ્સ કચેરીના કેટલાક કર્મચારીઓ પણ સંપર્કવિહોણા હોવાના અહેવાલો છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં સંચાર વ્યવસ્થા ખોરવાઈ હોવાથી ગુમ થયેલા લોકોની ચોક્કસ સંખ્યા અંગે હજુ સ્પષ્ટતા થઈ નથી.
પૂરના કારણે અન્ય વિસ્તારોમાં પણ જાનહાનિ થઈ હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે, બચાવ કામગીરી હજુ ચાલુ હોવાથી મૃત્યુ અને ગુમ થયેલા લોકોનો અંતિમ આંકડો સત્તાવાર રીતે જાહેર થયો નથી.
હેલિકોપ્ટરથી બચાવ કામગીરી તેજ
પરિસ્થિતિની ગંભીરતાને ધ્યાનમાં રાખીને નેપાળી સેના, નેપાળ પોલીસ અને સશસ્ત્ર પોલીસ દળ દ્વારા મોટા પાયે રેસ્ક્યૂ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. અસરગ્રસ્ત વિસ્તારોમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા માટે હેલિકોપ્ટરની મદદ લેવામાં આવી રહી છે.
ભારે પાણીનો પ્રવાહ, કાટમાળ અને ક્ષતિગ્રસ્ત રસ્તાઓને કારણે જમીન માર્ગે રાહત ટીમો માટે પહોંચવું મુશ્કેલ બની રહ્યું છે. તેથી હવાઈ માર્ગે બચાવ કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે.
ત્રિશૂલી નદી કિનારાના વિસ્તારોને એલર્ટ
ભોટેકોશી નદીનું પાણી આગળ વધતાં ત્રિશૂલી નદીમાં પણ પાણીનું સ્તર વધવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આથી રસુવા ઉપરાંત નુવાકોટ, ધાદિંગ, ગોરખા અને ચિતવન સહિતના નદી કાંઠાના વિસ્તારોમાં લોકોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે.
પ્રશાસન દ્વારા લોકોને નદીથી દૂર રહેવા અને પાણીનું સ્તર વધે તો તાત્કાલિક ઊંચાઈવાળા સુરક્ષિત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી છે.
હાલ રસુવા અને આસપાસના પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્ચ, રેસ્ક્યૂ અને રાહત કામગીરી સતત ચાલી રહી છે. નુકસાનનું વ્યાપક મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે અને બચાવ કામગીરી આગળ વધ્યા બાદ જ જાનહાનિ તથા આર્થિક નુકસાનનો અંતિમ આંકડો સ્પષ્ટ થશે.









