ત્રણ બ્રાન્ડના ઘી પર તાત્કાલિક રોક : નમૂનામાં વનસ્પતિજન્ય તત્ત્વ મળતાં કાર્યવાહી
ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ સામે ભારતીય ખાદ્ય સુરક્ષા અને ધોરણ પ્રાધિકરણે મોટી કાર્યવાહી હાથ ધરી છે. દિલ્હીની માર્ચે રિટેલ પ્રાઇવેટ લિમિટેડનો ફૂડ બિઝનેસ લાઇસન્સ 30 દિવસ માટે સ્થગિત કરવામાં આવ્યો છે. બીજી તરફ દમણની એસડીપી ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડના તમામ પ્રકારના ઘીના ઉત્પાદન, સંગ્રહ અને વેચાણ પર તાત્કાલિક પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.
તપાસ દરમિયાન માર્ચે રિટેલના પરિસરમાં સ્વચ્છતા, કર્મચારીઓની વ્યક્તિગત સ્વચ્છતા, ખાદ્ય પદાર્થોના સંચાલન, કર્મચારીઓની તાલીમ તથા જરૂરી દસ્તાવેજોની જાળવણીમાં ગંભીર ખામીઓ મળી આવી હતી. કંપનીને ખાદ્ય વ્યવસાયની પ્રવૃત્તિઓ રોકીને ખામીઓ દૂર કરવા સૂચના આપવામાં આવી છે.
‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ના ઘીમાં શંકાસ્પદ તત્ત્વ
એસડીપી ઇન્ડસ્ટ્રીઝના ઘીના નમૂનાઓની લેબોરેટરી તપાસમાં ‘શ્રદ્ધા’, ‘શ્રી સરસ’ અને ‘ગોકુલ’ સહિતની બ્રાન્ડના ઘીમાં નિર્ધારિત ધોરણોનું પાલન ન થતું હોવાનું સામે આવ્યું.
નમૂનાઓમાં બીટા-સિટોસ્ટેરોલ નામનું વનસ્પતિજન્ય તત્ત્વ મળી આવ્યું હતું, જે શુદ્ધ ઘીમાં હોવું જોઈએ નહીં. ઉપરાંત ઘીની ચરબીમાં રહેલા વિવિધ ફેટી એસિડના પ્રમાણમાં પણ અસંગતતા નોંધાઈ હતી.
આ તારણો ઘીમાં વનસ્પતિજન્ય અથવા અન્ય બહારની ચરબીની હાજરી તરફ સંકેત કરતા હોવાથી ખાદ્ય સુરક્ષા અંગે ગંભીર ચિંતા ઊભી થઈ છે.
ઘી બજારમાં ન પહોંચે તે માટે રોક
તંત્રએ એસડીપી ઇન્ડસ્ટ્રીઝને તેના પરિસરમાં ઉત્પાદિત અથવા સંગ્રહિત તમામ પ્રકારના ઘીના વેચાણ પર તાત્કાલિક રોક લગાવવા અને પ્રતિબંધિત જથ્થો બજારમાં ન પહોંચે તેની ખાતરી કરવા આદેશ આપ્યો છે. આ પ્રતિબંધ આગામી આદેશ સુધી ચાલુ રહેશે.
150થી વધુ નોટિસો
ખાદ્ય સુરક્ષા પ્રાધિકરણે તાજેતરના મહિનાઓમાં ખાદ્ય કંપનીઓ સામે તપાસ વધુ સઘન બનાવી છે. ખોટા દાવા, ભ્રામક જાહેરાતો અને નિયમવિરુદ્ધ લેબલિંગ સહિતના ઉલ્લંઘનો બદલ 150થી વધુ નોટિસો આપવામાં આવી હોવાનું જણાવાયું છે.
તંત્રએ સ્પષ્ટ કર્યું છે કે ગ્રાહકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતી ભેળસેળ સામે તપાસ અને કડક કાર્યવાહી આગળ પણ ચાલુ રહેશે.









