મેઘવિરામ લંબાતા ચિંતા વધી

દેશમાં વરસાદની ખાધ 14%એ પહોંચી : સ્કાયમેટે સિઝનનો વરસાદ 85% રહેવાનો અંદાજ મૂક્યો

ગુજરાત સહિત દેશના અનેક વિસ્તારોમાં ચોમાસું નબળું પડતાં વરસાદની ખાધ સતત વધી રહી છે. છેલ્લા બે સપ્તાહથી દેશના મોટાભાગના વિસ્તારોમાં નોંધપાત્ર વરસાદ થયો નથી. આગામી એક સપ્તાહ દરમિયાન પણ ચોમાસું સક્રિય થવાની શક્યતા ઓછી હોવાથી ખેડૂતો અને હવામાન વિભાગની ચિંતા વધી છે.

દેશમાં અત્યાર સુધીની ચોમાસાની સિઝનમાં વરસાદની ખાધ 14 ટકા સુધી પહોંચી ગઈ છે. દરમિયાન ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટે સિઝનના કુલ વરસાદ અંગેનું અનુમાન ઘટાડીને 85 ટકા કર્યું છે. અગાઉ એજન્સીએ સરેરાશના 94 ટકા વરસાદની આગાહી કરી હતી.

સ્કાયમેટે દેશમાં દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાવાની સંભાવના 70 ટકા દર્શાવી છે. ચોમાસાની ટ્રફ હાલમાં હિમાલય તરફ ખસી જતાં ગુજરાત સહિત વરસાદની તાતી જરૂરિયાત ધરાવતા રાજ્યોમાં આગામી દિવસોમાં પણ ખાસ વરસાદની શક્યતા ઓછી હોવાનું નિષ્ણાતોનું માનવું છે.

દરમિયાન ઉત્તર બંગાળની ખાડીમાં લો-પ્રેશર સિસ્ટમ સર્જાઈ છે. તેની અસરથી છત્તીસગઢ અને ઓડિશામાં વરસાદની શક્યતા છે, જ્યારે હિમાલયન વિસ્તાર અને પૂર્વોત્તર રાજ્યોમાં પણ વરસાદ પડી શકે છે.

હવામાન નિષ્ણાતોના મતે ચોમાસાની ટ્રફની હાલની સ્થિતિ ચિંતાજનક છે. તે હિમાલય અને પૂર્વોત્તર તરફ કેન્દ્રિત હોવાથી દેશના અન્ય વિસ્તારોમાં વરસાદનો લાભ મર્યાદિત રહેશે.

અલ નીનોની અસર યથાવત રહેવી અને ઈન્ડિયન ઓશન ડાયપોલ નબળું રહેવું પણ ચોમાસાની સ્થિતિને અસર કરી રહ્યું છે. આગામી દિવસોમાં ચોમાસું સક્રિય નહીં થાય તો વરસાદની ખાધ વધુ વધવાની શક્યતા છે.

Leave a Comment

Traffic Tail