‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન હેઠળ શાળાની સ્થિતિ જોવા ગયેલી ટીમને ગ્રામજનોએ અટકાવી : પથ્થરમારો થતાં વાહનોના કાચ તૂટ્યા
જયપુર: રાજસ્થાનમાં સરકારી શાળાઓની સ્થિતિ ચકાસવા માટે ‘સ્કૂલ ઠીક કરો’ અભિયાન ચલાવી રહેલી કોકરોચ જનતા પાર્ટી (CJP)ની ટીમ પર જયપુરના રામપુરા-કંવરપુરા ગામમાં ગ્રામજનોએ હુમલો કર્યાનો આક્ષેપ થયો છે. ટીમમાં CJPના સહ-સંયોજક આશુતોષ રાંકા સહિતના કાર્યકરો હાજર હતા.
CJPના દાવા મુજબ ગામની સરકારી પ્રાથમિક શાળાની ઇમારત જર્જરિત હાલતમાં હોવાથી શાળા તબેલામાં ચાલી રહી છે. આ અંગે સ્થળ તપાસ માટે ટીમ ગામમાં પહોંચી હતી. જોકે, ગામમાં પ્રવેશતા જ ગ્રામજનોએ ટીમનો વિરોધ કરી તેમને રોકી દીધી હતી.
વિરોધ ઉગ્ર બનતાં ટીમને દોડાવી ભગાડ્યાનો દાવો
ટીમ અને ગ્રામજનો વચ્ચે શરૂઆતમાં બોલાચાલી થઈ હતી. ત્યારબાદ રસ્તા પર બેરિકેડ લગાવી CJPના વાહનો અટકાવવામાં આવ્યા હતા અને ટીમ સામે સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
CJPનો આક્ષેપ છે કે શાળા તરફ જવાનો પ્રયાસ કરતાં કાર્યકરો પર લાકડીઓ અને બેલ્ટ વડે હુમલો કરવામાં આવ્યો હતો. કેટલાક કાર્યકરોને રસ્તા અને ખેતરોમાં આશરે 400 મીટર સુધી દોડાવી ભગાડવામાં આવ્યા હોવાનો પણ દાવો કરવામાં આવ્યો છે.
પથ્થરમારામાં વાહનોને નુકસાન
હુમલા દરમિયાન CJPના કાફલા પર પથ્થરમારો કરવામાં આવ્યો હોવાનો આક્ષેપ છે. પથ્થરમારાને કારણે વાહનોના કાચ તૂટી ગયા હતા. કાર્યકરોને ‘આતંકવાદી’ અને ‘નક્સલી’ કહીને માર મારવામાં આવ્યો હોવાનો પણ CJP દ્વારા દાવો કરાયો છે.
જોકે, ગ્રામજનોનો પક્ષ અલગ છે. ગ્રામજનોના જણાવ્યા મુજબ શાળાના સમારકામ માટે સરકાર દ્વારા રૂ.12 લાખનું ફંડ મંજૂર કરવામાં આવ્યું છે અને શાળાના મુદ્દે રાજકારણ કરવામાં આવી રહ્યું છે.
શિક્ષણ મંત્રી સામે આશુતોષ રાંકાનો ગંભીર આરોપ
ઘટના બાદ આશુતોષ રાંકાએ સોશિયલ મીડિયા પર આક્રોશ વ્યક્ત કરી હુમલો રાજસ્થાનના શિક્ષણ મંત્રી મદન દિલાવરના ઈશારે થયો હોવાનો આરોપ લગાવ્યો છે. આ આરોપની હાલ સ્વતંત્ર રીતે પુષ્ટિ થઈ નથી.
રાંકાએ મહિલા કાર્યકરો સાથે ગેરવર્તણૂક અને એક સ્વયંસેવકનો હાથ ભાંગી નાખવામાં આવ્યો હોવાનો પણ દાવો કર્યો છે.
48 કલાકમાં કાર્યવાહી નહીં થાય તો આંદોલનની ચીમકી
આશુતોષ રાંકાએ પોલીસ પ્રશાસનને 48 કલાકનું અલ્ટીમેટમ આપ્યું છે. હુમલાના આરોપીઓની ધરપકડ નહીં કરવામાં આવે અને સરકારી શાળાઓમાં બહારના લોકોના પ્રવેશ અંગેના પ્રતિબંધને પાછો ખેંચવામાં નહીં આવે તો શિક્ષણ મંત્રીના રાજીનામાની માંગ સાથે સમગ્ર રાજ્યમાં આંદોલન કરવાની ચેતવણી આપી છે.
હાલ CJP અને ગ્રામજનોના આક્ષેપો વચ્ચે સમગ્ર મામલો ગરમાયો છે અને પોલીસની તપાસ તથા સત્તાવાર કાર્યવાહી બાદ જ ઘટનાની હકીકત વધુ સ્પષ્ટ થશે.









