NEET-UG પેપર લીક કેસમાં પરીક્ષા વ્યવસ્થાને લઈને કોર્ટ ગંભીર, NTAની સિસ્ટમને ‘ફૂલપ્રૂફ’ ગણાવતો કેન્દ્રનો દાવો
NEET-UG પેપર લીક અને પરીક્ષા પ્રક્રિયામાં ગેરરીતિને લગતી અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. જસ્ટિસ પી.એસ. નરસિમ્હા અને જસ્ટિસ આલોક અરાધેની ખંડપીઠ સમક્ષ કેન્દ્ર સરકારે NTAની પરીક્ષા વ્યવસ્થાની સુરક્ષા અંગે પોતાની દલીલો રજૂ કરી હતી.
કેન્દ્ર તરફથી સોલિસિટર જનરલ તુષાર મહેતાએ દાવો કર્યો હતો કે NTAની સિસ્ટમ અત્યંત સુરક્ષિત છે અને તેમાં ગેરરીતિ કરવી સરળ નથી. તેમણે પ્રશ્નપત્ર તૈયાર થવાથી લઈને પરીક્ષા કેન્દ્ર સુધી પહોંચાડવાની સમગ્ર પ્રક્રિયા કોર્ટ સમક્ષ રજૂ કરી હતી.
તેમના જણાવ્યા મુજબ પ્રશ્નપત્ર તૈયાર કરવામાં અનેક મોડરેટર્સ સામેલ હોય છે અને અંતિમ સમય સુધી કયો સેટ પરીક્ષામાં ઉપયોગમાં લેવાશે તેની જાણકારી રાખવામાં આવતી નથી. પ્રશ્નપત્ર લઈ જતાં વાહનોમાં GPS ટ્રેકિંગ હોય છે, જ્યારે પેપરને ડિજિટલ લોક અને સીલબંધ બોક્સમાં સુરક્ષિત રાખવામાં આવે છે.
પ્રશ્નપત્રો બે અલગ-અલગ બેંકોના સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવે છે અને પરીક્ષાના દિવસે કયો સેટ ખોલવો તેનો નિર્ણય લેવામાં આવે છે. પરીક્ષા કેન્દ્રમાં વિદ્યાર્થીઓની હાજરીમાં જ સીલ ખોલવામાં આવે છે.
જોકે, કેન્દ્રની દલીલો બાદ સુપ્રીમ કોર્ટે કહ્યું કે રાધાકૃષ્ણન સમિતિ દ્વારા આ પ્રક્રિયાના વિવિધ પાસાઓની પહેલેથી સમીક્ષા કરવામાં આવી છે. કોર્ટે મામલાને સિસ્ટમેટિક સમસ્યા ગણાવીને લાંબા ગાળાના ટેક્નિકલ ઉકેલની જરૂરિયાત દર્શાવી હતી.
ખંડપીઠે UPSCનું ઉદાહરણ આપતાં કહ્યું કે NTAએ UPSC પાસેથી શીખવું જોઈએ. કોર્ટે પરીક્ષા વ્યવસ્થામાં બદલાતી ટેક્નોલોજીને સમજી શકે તેવા નિષ્ણાત અધિકારીઓની નિમણૂક કરવાની પણ સલાહ આપી હતી.
સુપ્રીમ કોર્ટે કેન્દ્ર અને NTAને નવું સોગંદનામું દાખલ કરવાનો આદેશ આપ્યો છે. રાધાકૃષ્ણન તથા નંદન નીલેકણી સમિતિની ભલામણોના અમલ માટે અત્યાર સુધી શું પગલાં લેવામાં આવ્યા તેની માહિતી પણ માંગવામાં આવી છે.
આ ઉપરાંત ભવિષ્યમાં NEETને ઓનલાઈન CBT મોડમાં અથવા JEEની જેમ બે તબક્કામાં યોજવા અંગે સરકારની યોજના શું છે તે અંગે પણ કોર્ટ સમક્ષ સ્પષ્ટતા રજૂ કરવા જણાવાયું છે.









