ઇન્ડોનેશિયામાં 7.7ના વિનાશક ભૂકંપ બાદ ફરી 5.7નો આંચકો : 53નાં મોત, હજારો લોકો અસરગ્રસ્ત

ઇન્ડોનેશિયાના ફ્લોરેસ દ્વીપમાં 7.7ની તીવ્રતાના વિનાશક ભૂકંપ બાદ ફરી 5.7ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. આંચકો એન્ડેના ઉત્તર-ઉત્તરપશ્ચિમ વિસ્તારમાં આવ્યો હતો. નવા ભૂકંપથી તાત્કાલિક જાનમાલના નુકસાનના અહેવાલ મળ્યા નથી.

આ પહેલાં આવેલા 7.7ની તીવ્રતાના ભૂકંપમાં મૃત્યુઆંક 53 સુધી પહોંચ્યો હતો, જ્યારે 135થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા હતા. ભૂકંપ બાદ મોટી સંખ્યામાં આફ્ટરશોક્સ અનુભવાતા લોકોમાં ભયનો માહોલ છે.

પૂર્વ નુસા તેંગારા પ્રાંતના મંગરાઈ, ઈસ્ટ મંગરાઈ અને નાગેકેઓ સહિતના વિસ્તારોમાં ભારે નુકસાન થયું છે. 900થી વધુ મકાનો નષ્ટ અને 450થી વધુ મકાનોને નુકસાન થયું હોવાનું અહેવાલોમાં જણાવાયું છે. આશરે 5,000 લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

ભૂકંપ બાદ સુનામીની ચેતવણી આપવામાં આવી હતી, જોકે બાદમાં તેને હટાવી લેવામાં આવી હતી. સતત આફ્ટરશોક્સના ભયને કારણે અનેક લોકોએ ઘરની બહાર ખુલ્લામાં રાત વિતાવી હતી.

હાલ રેસ્ક્યૂ ટીમો ભૂસ્ખલન અને કાટમાળથી અવરોધાયેલા વિસ્તારોમાં પહોંચવાના પ્રયાસો કરી રહી છે. રસ્તાઓ બંધ થવા, વીજળી ખોરવાવા અને સંદેશાવ્યવહાર ઠપ થવાથી બચાવ કામગીરીમાં મુશ્કેલીઓ ઊભી થઈ રહી છે.

Leave a Comment

Traffic Tail