મોરબી જિલ્લા LCB પોલીસે ટંકારા અને વાંકાનેર વિસ્તારમાં થયેલી બે ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલી વડોદરા અને અમદાવાદના બે આરોપીઓને ઝડપી પાડ્યા છે. આરોપીઓ પાસેથી સોના-ચાંદીના દાગીના, ચાંદીના સિક્કા, રોકડ અને બાઈક સહિત કુલ ₹4.39 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે.
વાંકાનેર બાઉન્ડ્રી પાસે LCBની ટીમ વાહન ચેકિંગ કરી રહી હતી. દરમિયાન નંબર પ્લેટ વગરના બાઈક પર બે શખ્સો આવવાના હોવાની ચોક્કસ બાતમી મળતાં પોલીસે વોચ ગોઠવી હતી. બંને શખ્સો બાઈક પર આવતા પોલીસે તેમને રોકી પૂછપરછ કરી હતી. તપાસ દરમિયાન તેમની પાસેથી ચોરીમાં ગયેલો મુદ્દામાલ મળી આવ્યો હતો.
વાંકાનેરમાં બંધ મકાનમાંથી ₹1.71 લાખની ચોરી
વાંકાનેર નજીક જૂના વઘાસીયા ગામે ફાતમાબેન ઉસ્માનભાઈ માણસિયાના મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું હતું. ઘરમાંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹1.71 લાખનો મુદ્દામાલ ચોરાયો હતો.
બીજી તરફ ટંકારા ડેરી નાકા પાસે વિનોદભાઈ મૂળજીભાઈ ગોહેલના મકાનમાં પણ ચોરી થઈ હતી. અહીંથી સોના-ચાંદીના દાગીના અને રોકડ સહિત ₹98,305નો મુદ્દામાલ ચોરાયો હતો.
₹1.03 લાખનો ચોરીનો મુદ્દામાલ રિકવર
પોલીસે જયસિંઘ ઉર્ફે રાણા શેરસિંઘ બાવરી (22), દંતેશ્વર, વડોદરા અને અર્જુનસિંઘ હીરાસિંઘ પટવા (19), બાવળા, અમદાવાદની ધરપકડ કરી છે.
બંને આરોપીઓ પાસેથી સોનાની બુટ્ટી, ચાંદીના સાંકડા, ચાંદીના સિક્કા અને રોકડ સહિત ટંકારા ચોરીના ગુનામાં ગયેલો ₹1.03 લાખનો મુદ્દામાલ રિકવર કરવામાં આવ્યો છે. આ મુદ્દામાલ ટંકારા પોલીસને સોંપવામાં આવ્યો છે.
મોબાઈલ વગર, નંબર પ્લેટ વગરના બાઈકથી કરતા હતા ચોરી
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપીઓ રાત્રિના સમયે મોબાઈલ ફોન સાથે રાખ્યા વગર નંબર પ્લેટ વગરના બાઈક પર અન્ય જિલ્લામાં જતા હતા. ત્યારબાદ બંધ મકાનોને નિશાન બનાવી સોના-ચાંદીના દાગીના અને રોકડની ચોરી કરી પોતાના વતન તરફ ફરાર થઈ જતા હતા.
આરોપીઓ પાસેથી બાઈક સહિત કુલ ₹4,39,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે. સમગ્ર કામગીરી મોરબી જિલ્લા LCBના ઇન્ચાર્જ PI એસ.પી. જાડેજાની સૂચના હેઠળ PSI બી.ડી. ભટ્ટ તથા LCB ટીમ દ્વારા કરવામાં આવી હતી.









