મોરબીઃ અણીયારી ચોકડી પાસે ગૌરક્ષકોની સતર્કતાથી બે ભેંસ અને બે પાડાને કતલખાને લઈ જવામાં આવતા બચાવી લેવાયા છે. બોલેરોમાં અબોલજીવોને ક્રૂરતાપૂર્વક બાંધીને લઈ જવાતા હોવાનું સામે આવતા પોલીસે વાહન સહિતનો મુદ્દામાલ કબજે કર્યો છે.
મળતી માહિતી મુજબ, માળિયા-હળવદ હાઇવે પર અણીયારી ચોકડી પાસેથી GJ-12-CT-8399 નંબરની બોલેરો પસાર થઈ રહી હતી. ગૌરક્ષકોએ પોલીસની હાજરીમાં વાહન અટકાવી તપાસ કરતાં તેમાં બે ભેંસ અને બે પાડા મળી આવ્યા હતા. અબોલજીવોને બાંધીને રાખવામાં આવ્યા હતા તેમજ તેમના માટે ઘાસચારા કે પાણીની કોઈ વ્યવસ્થા નહોતી.
આ મામલે મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં ધવલભાઈ કિશોરભાઈ વાગડિયાની ફરિયાદના આધારે આફ્રિદી હતામહમદભાઈ જત અને સદામ હાફુડાભાઈ જત સામે ગુનો નોંધાયો છે. પોલીસે ચારેય અબોલજીવો તથા બોલેરો સહિત કુલ આશરે રૂ.10.10 લાખનો મુદ્દામાલ કબજે કરી બંને શખ્સોને ઝડપી વધુ તપાસ હાથ ધરી છે.
જૂની અદાવતમાં યુવકને માર માર્યાની ફરિયાદ
મોરબીની રાજપર ચોકડી પાસે જૂની અદાવતને લઈને યુવક સાથે મારામારીની બીજી ઘટના પણ સામે આવી છે. સજનપર ગામના લાખાભાઈ વજાભાઈ કલોતરાએ મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં મેરૂભાઈ જીવણભાઈ ખાંભલા અને અજય મેરૂ ખાંભલા સામે ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, અજય ખાંભલા અગાઉ ફરિયાદીની ભત્રીજીને ભગાડી ગયો હતો. આ બાબતનો ખાર રાખીને આશરે બે વર્ષ બાદ રાજપર ચોકડી પાસે ફરિયાદીને ગાળો આપી ઢીકાપાટુનો માર મારવામાં આવ્યો હતો.
આ દરમિયાન લોખંડના પાઇપ વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે. સારવાર લીધા બાદ યુવકે પોલીસ ફરિયાદ નોંધાવતા મોરબી એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીઓને ઝડપી પાડવા કાર્યવાહી શરૂ કરી છે.









