કેન્દ્રીય મંત્રી જે.પી. નડ્ડાની તબિયત લથડી: AIIMSમાં દાખલ, એન્જિયોગ્રાફી કરાઈ

નવી દિલ્હીઃ કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી જે.પી. નડ્ડાની તબિયત અચાનક બગડતાં તેમને દિલ્હીની AIIMS હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ગુરુવારે સાંજે તેમને અસ્વસ્થતા અને બેચેની અનુભવાતા પરિવારજનો દ્વારા તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.

AIIMSમાં તબીબોએ નડ્ડાની એન્જિયોગ્રાફી તપાસ કરી હતી. હૃદયની નસોમાં લોહીનો પ્રવાહ યોગ્ય રીતે થઈ રહ્યો છે કે નહીં અને કોઈ બ્લોકેજ છે કે નહીં તેની તપાસ માટે આ પ્રક્રિયા કરવામાં આવે છે.

AIIMSના હેલ્થ બુલેટિન અનુસાર, જે.પી. નડ્ડાની હાલત સ્થિર છે. તેમને કાર્ડિયોલોજી વિભાગમાં નિષ્ણાત તબીબોની સતત દેખરેખ હેઠળ રાખવામાં આવ્યા છે.

નડ્ડાની તબિયત ખરાબ થયાના સમાચાર મળતાં રાજકીય ક્ષેત્રે ચિંતા ફેલાઈ હતી. ભાજપના નેતાઓ અને કાર્યકરોએ તેમના ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી છે.

દરમિયાન, હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હોવા છતાં નડ્ડાએ 14 ઓગસ્ટના ‘વિભાજન વિભીષિકા સ્મૃતિ દિવસ’ નિમિત્તે સોશિયલ મીડિયા પર સંદેશ જાહેર કર્યો હતો. તેમણે ભારતના ભાગલા દરમિયાન જીવ ગુમાવનારા અને ભારે યાતનાઓ સહન કરનારા લાખો લોકોને યાદ કરીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

Leave a Comment

Traffic Tail