7 કલાકમાં 5 ભૂકંપના આંચકા, અફઘાનિસ્તાનમાં 4.4ની સૌથી વધુ તીવ્રતા
મહારાષ્ટ્રના નાશિકથી લઈને હિમાચલ પ્રદેશના ચંબા અને અફઘાનિસ્તાન સુધી આજે વહેલી સવારે ભૂકંપના આંચકા નોંધાયા હતા. રાત્રે 12:05થી સવારે 6:36 વાગ્યા સુધી લગભગ 7 કલાકમાં અલગ-અલગ સ્થળોએ કુલ 5 વખત ધરતી કાંપી હતી.
નાશિકમાં સવારે 5:32 વાગ્યે 3.4ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો, જેની ઊંડાઈ 3 કિલોમીટર નોંધાઈ હતી. ચંબામાં સવારે 6:36 વાગ્યે 3.0ની તીવ્રતાના આંચકા અનુભવાયા હતા અને તેની ઊંડાઈ 5 કિલોમીટર હતી.
અફઘાનિસ્તાનમાં વહેલી સવારે બે ભૂકંપ નોંધાયા હતા. 4:29 વાગ્યે 4.0ની તીવ્રતાનો પ્રથમ આંચકો આવ્યો હતો, જ્યારે 4:41 વાગ્યે 4.4ની તીવ્રતાનો બીજો આંચકો નોંધાયો હતો. બંને ભૂકંપની ઊંડાઈ અનુક્રમે 147 અને 136 કિલોમીટર હતી.
નાશિક, ચંબા અને અફઘાનિસ્તાનમાં નોંધાયેલા ભૂકંપના કારણે અત્યાર સુધી જાનમાલના નુકસાનના કોઈ અહેવાલ સામે આવ્યા નથી.
ઉલ્લેખનીય છે કે ત્રણ દિવસ અગાઉ મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં પણ એક કલાકમાં 3.4ની તીવ્રતાના બે ભૂકંપના આંચકા નોંધાયા હતા.









