9.900 કિલો ગાંજાનો જથ્થો ઝડપાયો; ચોથી વખત ખેપ લઈને આવ્યો હોવાની કબૂલાત
રાજકોટ: શહેરની ભાગોળે આવેલી કુવાડવા ચોકડી નજીક એસઓજીની ટીમે ચોક્કસ બાતમીના આધારે કાર્યવાહી કરી 9.900 કિલોગ્રામ ગાંજા સાથે બિહારના એક શખ્સને ઝડપી પાડ્યો છે. પોલીસે ગાંજા સહિત કુલ રૂ.5,00,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.
બાતમીના આધારે એસઓજીની કાર્યવાહી
રાજકોટ શહેરમાં નશીલા પદાર્થોના વેચાણ અને સપ્લાયને અટકાવવા પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું. દરમિયાન એસઓજીની ટીમને બાતમી મળી હતી કે ઉપેન્દ્ર પાસવાન નામનો શખ્સ ગાંજાનો જથ્થો લઈને કુવાડવા ચોકડી નજીક આવવાનો છે.
બાતમીના આધારે પોલીસે કુવાડવા ચોકડી પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન ઉપેન્દ્ર પાસવાન ત્યાં પહોંચતા પોલીસે તેને કોર્ડન કરી તેની અંગજડતી લીધી હતી.
9.900 કિલો ગાંજો ઝડપાયો
અંગજડતી દરમિયાન આરોપી પાસેથી રૂ.4.95 લાખની કિંમતનો 9.900 કિલોગ્રામ ગાંજો મળી આવ્યો હતો. પોલીસે ગાંજા ઉપરાંત મોબાઈલ ફોન અને રોકડ રકમ મળી કુલ રૂ.5,00,520નો મુદ્દામાલ કબજે કર્યો છે.
ઝડપાયેલા આરોપીની ઓળખ ઉપેન્દ્ર બહાદુરરામ પાસવાન (ઉંમર 35 વર્ષ, રહે. ભોજપુર, બિહાર) તરીકે થઈ છે.
રાજકોટમાં ચોથી વખત ખેપ લાવ્યાનો ખુલાસો
પોલીસની પ્રાથમિક પૂછપરછમાં આરોપીએ ચોથી વખત ગાંજાની ખેપ લઈને રાજકોટ આવ્યો હોવાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. આ વખતે તે ગાંજાનો જથ્થો મહંમદ નામના શખ્સને પહોંચાડવા આવ્યો હતો.
જોકે, જથ્થાની ડિલિવરી થાય તે પહેલાં જ એસઓજીની ટીમે તેને ઝડપી લીધો હતો.
રિસીવરની શોધખોળ શરૂ
આરોપીની ધરપકડ બાદ પોલીસે હવે મહંમદ નામના રિસીવરની શોધખોળ શરૂ કરી છે. ગાંજાનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને આ નશાના નેટવર્કમાં અન્ય કેટલા લોકો સંડોવાયેલા છે તે અંગે પણ તપાસ હાથ ધરવામાં આવી છે.
‘સે નો ટુ ડ્રગ્સ’ હેઠળ કડક કાર્યવાહી
યુવાનોને નશાના રવાડે ચડતા અટકાવવા અને નશીલા પદાર્થોના વેચાણ પર અંકુશ મેળવવા રાજકોટ પોલીસ દ્વારા ‘સે નો ટુ ડ્રગ્સ’ મિશન અંતર્ગત પેડલરો અને નશાના નેટવર્ક સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે.









