ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટમાં નાણાકીય પારદર્શિતા વધારવા પાકિસ્તાનને તાકીદ
નવી દિલ્હી: આર્થિક સંકટનો સામનો કરી રહેલા પાકિસ્તાનને અમેરિકા તરફથી મોટો ઝટકો લાગ્યો છે. અમેરિકાના ફિસ્કલ ટ્રાન્સપરન્સી રિપોર્ટ-2026માં પાકિસ્તાનની નાણાકીય પારદર્શિતા સામે ગંભીર સવાલો ઉઠાવવામાં આવ્યા છે.
અમેરિકાએ ખાસ કરીને પાકિસ્તાની સેના અને ISIના બજેટમાં પારદર્શિતા લાવવા તેમજ તેમના ખર્ચને નાગરિક અને સંસદીય દેખરેખ હેઠળ લાવવાની ભલામણ કરી છે.
રિપોર્ટ મુજબ પાકિસ્તાન પોતાનો બજેટ પ્રસ્તાવ સમયસર જાહેર કરતું નથી. સરકારી કંપનીઓના દેવા સહિતની કેટલીક મહત્વપૂર્ણ નાણાકીય વિગતો પણ જાહેર કરવામાં આવતી નથી.
જૂન 2026માં પાકિસ્તાને રૂ.18.8 ટ્રિલિયનનું સંઘીય બજેટ રજૂ કર્યું હતું, જેમાં સંરક્ષણ માટે આશરે રૂ.3 ટ્રિલિયનની ફાળવણી કરવામાં આવી હતી.
પાકિસ્તાન આર્થિક મુશ્કેલીઓ વચ્ચે વિદેશી સહાય માટે પણ પ્રયાસ કરી રહ્યું છે. જુલાઈમાં તેણે ચલણ સ્થિરતા માટે અમેરિકા પાસે 10 અબજ ડોલરની મદદ માંગી હોવાના અહેવાલ છે.
અમેરિકાના આ અહેવાલ બાદ પાકિસ્તાન પર સૈન્ય અને ગુપ્તચર ખર્ચ સહિત સમગ્ર નાણાકીય વ્યવસ્થામાં વધુ પારદર્શિતા લાવવાનું દબાણ વધી શકે છે.









