સાઉદી અરેબિયા પર હુથીઓનો હુમલો: 4 વર્ષના બાળક સહિત 11 નાગરિકો ઘાયલ

નજરાનના રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યાનો આરોપ; યમન-સાઉદી સરહદે ફરી તણાવ વધ્યો

નજરાન: યમન સરહદ નજીક આવેલા સાઉદી અરેબિયાના નજરાન વિસ્તારમાં હુથી બળવાખોરોના હુમલામાં 11 નાગરિકો ઘાયલ થયા છે. ઘાયલોમાં 4 વર્ષનું બાળક પણ સામેલ છે.

સાઉદી સેનાના પ્રવક્તા તૂર્કિયે અલ-મલ્કીના જણાવ્યા મુજબ, ઘાયલોમાં 7 સાઉદી, 1 યમની, 2 ઈજિપ્તીયન અને 1 પાકિસ્તાની નાગરિકનો સમાવેશ થાય છે. હુથીઓએ રહેણાંક વિસ્તારોને નિશાન બનાવી મિસાઈલ અને રોકેટ હુમલા કર્યા હોવાનો સાઉદી સેનાએ આરોપ લગાવ્યો છે.

સાઉદી સેનાએ હુમલાને આંતરરાષ્ટ્રીય માનવતાવાદી કાયદાનું ઉલ્લંઘન ગણાવ્યું છે. હુમલા બાદ સરહદી વિસ્તારમાં સુરક્ષા વ્યવસ્થા વધુ કડક કરવામાં આવી છે.

આ ઘટનાના થોડા કલાકો પહેલાં હુથીઓએ યમનના મારીબ અને હદરામૌત પ્રાંતમાં સાઉદી સમર્થિત સરકારી દળોના સૈન્ય કેમ્પ પર હુમલાની જવાબદારી સ્વીકારી હતી.

અહેવાલ મુજબ મિસાઈલ અને ડ્રોન હુમલામાં 30થી વધુ સૈનિકોના મોત અને 50થી વધુ ઘાયલ થયા છે. હુથી નેતૃત્વે દાવો કર્યો કે પૂર્વ યમનમાં સાઉદી સમર્થિત દળોની વધતી જમાવટના જવાબમાં આ કાર્યવાહી કરવામાં આવી હતી.

યમન-સાઉદી સરહદે ફરી વધેલા હુમલાઓને કારણે વિસ્તારમાં તણાવ અને સૈન્ય સતર્કતા બંને વધી ગયા છે.

Leave a Comment

Traffic Tail